મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં Tv9 ગુજરાતીના ‘WHAT GUJARAT THINKS TODAY’ કોન્કલેવનો પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: Tv9 ગુજરાતીના ‘WHAT GUJARAT THINKS TODAY’ કોન્કલેવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થયો, જ્યાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારા ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકસિત ભારતમાં પહેલું વિકસિત રાજ્ય ગુજરાત જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે વિકાસની રાજનીતિ અપનાવી છે, જે આજે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ બની છે. તેમણે ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ અને રણોત્સવ જેવા પ્રોજેક્ટો વડાપ્રધાનની દુરંદેશી વિઝનનું પરિણામ છે.
ગુજરાતને સેમિકંડક્ટર ક્ષેત્રનું હબ બનાવવા પ્રયાસો
મુખ્યમંત્રીએ કહ્યું કે સેમિકંડક્ટર ચીપ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હૃદય છે અને ગુજરાતને આ ક્ષેત્રનું હૃદય બનાવવા રાજ્ય સરકાર તત્પર છે. નવા ઊભરતા દરેક ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર રાખવા માટે ‘વિકસિત ગુજરાત ફંડ’ની રચના કરવામાં આવી છે, જેમાં રૂ. ૫૦,૦૦૦ કરોડમાંથી આ વર્ષે રૂ. ૫,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દીકરીઓના શિક્ષણ માટે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે. રાજ્યની શૈક્ષણિક અને આરોગ્યસંબંધિત સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે તબીબી અભ્યાસમાં બેઠકોની સંખ્યા પણ વધારવામાં આવી છે.
અગત્યના ઉદ્યોગસાહસિકોને સન્માન
Tv9 ગુજરાતીના કોન્કલેવમાં ફેશન ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ, મેડિકલ, ફૂડ, સર્વિસ, શિક્ષણ અને આર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા ઉદ્યોગસાહસિકોને એવોર્ડ આપવામાં આવ્યા. મુખ્યમંત્રીએ Tv9 ગુજરાતીના સંચાલકોને આ ભવ્ય આયોજન માટે અભિનંદન પાઠવ્યા.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ કોન્કલેવમાં આયોજિત ચર્ચાસત્રમાં ભાગ લીધો. આ અવસરે રાજ્યસભા સાંસદ મયંક નાયક, ધારાસભ્ય અમૂલ ભટ્ટ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતિન પટેલ, મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, Tv9 ગ્રુપના MDC ચેરમેન બરુણ દાસ, Tv9 ગુજરાતીના ચેનલ હેડ કલ્પક કેકરે તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા.









