ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ-જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને મફત પ્લોટ તથા આવાસ યોજનાનો લાભ મળે તે માગ સાથે પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન..

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી.સમાજના આગેવાન રઘુવરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેકટર કચેરી સુધી અંદાજે 30 કિ.મી ની પદયાત્રા યોજી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તથા પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટો પરિવાર લઈને વસવાટ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. આવા પરિવારોને મફત પ્લોટ યોજનાનો તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું.રજુઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ-પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે તેમ માગ કરવામાં આવી હતી.




