
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર
વિસનગર તાલુકાના મહમદપુર મેતપુર ગામમાં મનરેગા સહીત ઘણાબધા કામોમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે મહેસાણા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
મહમદપુર-મેતપુર ગામમાં વિકાસના કામોના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગ્રામ પંચાયત દ્વારા મનરેગા (MNREGA) યોજના સહિત અન્ય સરકારી ગ્રાન્ટોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.
મનરેગા યોજના હેઠળ મળતિયાઓના નામે ખોટા જોબકાર્ડ બનાવી, શ્રમિકોના બદલે બારોબાર પૈસા ઉપાડી લેવામાં આવ્યા , કામો થયા છે તેમાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
અરજદારે આ બાબતે અગાઉ ગ્રામ પંચાયત અને ત્યારબાદ તાલુકા પંચાયતમાં માહિતી અધિકાર (RTI) હેઠળ વિગતો માંગી હતી. જોકે, જવાબદાર અધિકારીઓ દ્વારા અધૂરી અને અસંતોષકારક માહિતી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. તંત્ર દ્વારા યોગ્ય સંતોષકારક જવાબ ન મળતા હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેથી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.







