
ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયત પાસે ૧૫ મુદ્દાઓને લઇને એક નાગરિક દ્વારા આરટીઆઇ માંગવામાં આવતા ચકચાર
કુલ ૧૫ જેટલા વિવિધ મુદ્દાઓને આવરી લઇને ગ્રામ પંચાયત પાસે માહિતી માંગવામાં આવતા તાલુકામાં રાજકીય ક્ષેત્રે ભર શિયાળો ગરમાવો !
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયત પાસે ગામના એક જાગૃત નાગરીકે ૧૫ મુદ્દાઓને લઇને આરટીઆઇ માંગતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના રજનીકાંત રમણલાલ શાહ નામના નાગરિકે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને સંબોધીને આપેલ આરટીઆઇ અરજીના મુદ્દા નંબર ૧૫ માં જણાવ્યું હતું કે અગાઉ ઝઘડિયાના ટેકરા ફળિયામાં રહેતા મોરલીભાઇ ખુમાનભાઇ પટેલ રજનીકાંતની કેબિન પર જેસીબી લઇને આવ્યા હતા,અને કહેલ કે તારી કેબિન હમણાંને હમણાં ઉઠાવી લે,એમ કહીને ગાળો બોલવા લાગેલ,તેથી રજનીકાંતભાઇએ તેને કહ્યું કે તું કોણ છે પંચાયતનો સભ્ય કે સ્ટાફનો માણસ છે?અને મને નોટિસ આપો અને આખા ગામમાં દબાણ હટાવો. ત્યારબાદ રજનીકાંતભાઇએ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ ૧૫ જેટલા મુદ્દાઓને આવરી લઇને આરટીઆઇ માંગતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આરટીઆઇ અરજીમાં દર્શાવેલ ૧૫ મુદ્દા અંતર્ગત જણાવાયા મુજબ મુદ્દા નંબર (૧) ૨૦૧૦ થી ૨૦૨૪ ના વર્ષ દરમિયાન વિવિધ ગ્રાન્ટ કે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી કરવામાં આવેલ કામોની પુરી વિગત વર્ષવાર આપવી,(૨) ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ સુધીના બેન્ક ખાતાના સ્ટેટમેન્ટની નકલ આપવી,(૩) ૨૦૧૦ થી ૨૦૨૪ ના વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ ગ્રામસભાઓની પુરી વિગત આપવી,(૪)વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ દરમિયાનના ગ્રામ પંચાયત રોજમેળ વાઉચર ઠરાવબુક તેમજ ગ્રામસભાના ઠરાવોની નકલ તેમજ ઓનલાઇન ડેટા આપવા,(૫) વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ ના વાર્ષિક સરવૈયાની નકલ આપવી,(૬) ગ્રામ પંચાયત દ્વારા વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ સુધી કરવામાં આવેલ વિકાસના કામોની પુરી વિગત આપવી,(૭) વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ માર્ગોની કામગીરી અંતર્ગત વપરાયેલ મટિરિયલ તેમજ માર્ગના માપ તેમજ ચુકવાયેલ બિલની વર્ષવાર વિગત આપવી,(૮) વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામોના બિલના ચેક નંબર તેમજ રસીદોની વિગત આપવી,(૯) વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ સુધીમાં વિવિધ કામો હેઠળ આપવામાં આવેલ કુલ ચેકની પુરી વિગત આપવી,(૧૦) ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સરપંચ અને તલાટી દ્વારા ઓફિસમાં રૂબરૂમાં મુતરડી બનાવવાનું જણાવાયું હોઇ આરટીઆઇના જણાવેલ મુદ્દાઓ બાબતે લેખિતમાં માહિતી આપવી,(૧૧) ઝઘડિયા ચાર રસ્તાથી સ્ટેશન સુધી તેમજ ચાર રસ્તાના રાજપારડી રોડ પર મુકવામાં આવેલ લારીઓ અને કેબિનોમાં બિન ગુજરાતી અને ગુજરાતી ઇસમો કેટલા છે અને તેમને વીજળીના કનેક્શન કોની પરવાનગીથી અને કયા ડોક્યુમેન્ટ્સથી આપવામાં આવ્યા છે અને આ લોકો દ્વારા કરવામાં આવેલ દબાણો તેમજ ગુજરાતી શાળા પાસે બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનો વહિવટ કોણ કરે છે અને દુકાનોનું ભાડુ કેટલું આવે છે,દબાણ કરનારાઓ દ્વારા બનાવવામાં આવેલ પાકી કેબિનો,ગ્રામ પંચાયતની હદમાં આવેલ રહેણાંક સોસાયટીઓ અને શોપિંગ સેન્ટરોના પંચાયત વેરાઓ સંબંધી માહિતી ઉપરાંત ગામમાં કુવાઓની કુલ સંખ્યા અને તે પૈકી કેટલા કુવામાં પુરણ કરવામાં આવ્યું તેની તમામ વિગતો આપવી,(૧૨) રજનીકાંતભાઇની કેબિન હટાવવા આવેલ મોરલી કોણ છે તેની કઇ સત્તા છે અને તે કોના હુકમથી આવ્યો હતો તેની વિગત આપવી,(૧૩) શાંતિનગર ઝઘડિયા ખાતે સરકાર તરફથી મળેલ આવાસોમાં રહેતા લોકોના નામ પંચાયતને ભરવામાં આવતા વેરા કેટલા સમયથી રહે છે તેમજ તેમને અપાયેલ વીજળી કનેક્શનો સંબંધી માહિતી આપવી,(૧૪) ગ્રામ પંચાયતની હદમાં આવેલ રહેણાંક સોસાયટીઓની સંખ્યા ગ્રામ પંચાયત દ્વારા લેવાતા વિવિધ વેરા તેમજ સોસાયટી ક્યારે બંધાઇ તેની વિગતો આપવી તેમજ મુદ્દા નંબર ૧૫ માં ઉપર જણાવ્યા મુજબ મોરલી નામનો ઇસમ જેસીબી લઇને તેમની કેબિન હટાવવા આવેલ તે બાબતોને આવરી લઇને માહિતી માંગનાર રજનીકાંત રમણલાલ શાહે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ અરજી દ્વારા માહિતી માંગતા સમગ્ર તાલુકામાં આને લઇને ચકચાર મચી જવા પામી હતી. રજનીકાંત શાહે આ માહિતી માંગતી અરજીની નકલ ગુજરાતના મુખ્યમંત્રી,ગ્રામિણ આવાસ અને ગ્રામ વિકાસ અગ્ર સચિવ ગાંધીનગર, સચિવ કાયદા વિભાગ ગાંધીનગર,ઝઘડિયાના ધારાસભ્ય,જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ, તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા,ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ ગાંધીનગર તેમજ ભરૂચ કલેક્ટરને પણ મોકલી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી


