
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.9 : રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. આ પર્વ નિમિત્તે ગુજરાતની હજારો બહેનોએ પોતાના ભાઈ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યભરમાંથી અનેક બહેનો પોતાના ખર્ચે અને ખુશીથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધવા માટે ગાંધીનગર પહોંચી હતી. આ ઘટના દર્શાવે છે કે ગુજરાતની બહેનોને સરકાર અને તેના નેતૃત્વ પ્રત્યે કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે.
જોકે, આ સમયે એક સવાલ પણ ઉદ્ભવે છે. જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોની સરકારોએ તેમની બહેનોને સરકારી બસમાં મફત મુસાફરીની ભેટ આપી, ત્યારે ગુજરાતની બહેનો આ સુવિધાથી વંચિત રહી. આ બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધવા માટે સમય અને નાણાંનો ભોગ આપ્યો. તેઓએ પોતાના ખર્ચે મુસાફરી કરી, પરંતુ ભાઈ તરફથી કોઈ બક્ષિસ ન મળતા થોડી નિરાશા પણ થઈ છે.
આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર, શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશભરમાં પોતાની બહેનો પ્રત્યે અનોખો સ્નેહ દર્શાવતા રહ્યા છે. ગુજરાતના મોટાભાઈ તરીકે પણ તેમની છબી બહેનોના મનમાં કોતરાયેલી છે. ત્યારે, ગુજરાત સરકાર માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ એક ભાઈ તરીકે પોતાની ફરજ નિભાવે.
આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર અપીલ છે કે, રક્ષાબંધનનો તહેવાર ભલે પૂરો થઈ ગયો હોય, પરંતુ સરકાર તમામ બહેનો અને દીકરીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન, પ્રતીકાત્મક રૂપે ₹100 જેટલી રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવે. આ નાનકડી રકમ ભલે મોટી ન હોય, પરંતુ તે બહેનોને સન્માન આપશે અને સરકાર પ્રત્યેનો તેમનો વિશ્વાસ વધુ મજબૂત બનાવશે.
આ રજૂઆત માત્ર આર્થિક મદદની વાત નથી, પરંતુ લાગણીઓ અને સન્માનની વાત છે. આશા છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લેશે અને ગુજરાતની બહેનોને ભાઈ તરફથી મળવાની બક્ષિસ વહેલી તકે જાહેર કરશે.



