AHAVADANGGUJARAT

ડાંગ: વઘઈ તાલુકાના કુંડા ફાટક પાસે અંબિકા નદીનાં વ્હેણમાં પ્રવાસીઓ ન્હાવા ઉતર્યા ત્યારે તંત્રનું જાહેરનામું માત્ર કાગળ પર….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામ નજીક કુંડા ફાટક પાસે અંબિકા નદીનાં વ્હેણમાં કેટલાક પ્રવાસીઓ ન્હાવા ઉતર્યા હતા.આ દ્રશ્યો જોઈને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામુ માત્ર શોભાનાં ગાંઠિયા સમાન હોવાનું પ્રતીત થયુ છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જળાશયોમાં પ્રવેશ સહિતની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદ્યો હતો તે જાહેરનામું માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતીત થતું જોવા મળી રહ્યું છે.રાજ્યમાં ડૂબી જવાની ધટનાઓને ધ્યાને લઈને ગાંધીનગર ગૃહ વિભાગનાં નિર્દેશો અનુસાર ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.તબીયારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ – ૧૬૩ અન્વ્યે જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, અને ચેકડેમ વિગેરે જગ્યાએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.ડાંગ જિલ્લાનાં જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડેમ, વિગેરે સ્થળોએ કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં પ્રવેશવા સહિતની તમામ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.આ જાહેરનામું જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૮ જુલાઇ ૨૦૨૫ સુધી અમલમાં છે. તેમજ આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ-૨૩૩ હેઠળ શિક્ષાને પાત્ર બને છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે. જોકે આ જાહેરનામું માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે  વઘઇ તાલુકાના સાકરપાતળ ગામ નજીક કુંડા ફાટક પાસે અંબિકા નદીનાં વહેણમાં પ્રવાસીઓ ન્હાવા ઉતર્યા હતા.અહી નદીનો પટ ઊંડો હોય શકે છે.ત્યારે ગમે ત્યારે ડૂબી જવાની શક્યતા રહેલી છે.તેવામાં પ્રવાસીઓની સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા હતા.અને સલામતી સામે પ્રશ્નાર્થ ઊભા થતાની સાથે જ વહીવટી તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જણાઇ આવ્યું હતુ.માત્ર જિલ્લાનું વહીવટી તંત્ર જાણે કાગળ પર જ જાહેરનામુ પાડી પોતાની ફરજ બજાવી રહ્યુ છે.વહીવટી તંત્ર દ્વારા આ ગંભીરતાને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જળાશયોમાં પ્રવાસીઓ આ પ્રકારે પ્રવેશ ન કરી શકે તે માટે ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિને ફરજ પર રાખવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.જોકે બેજવાબદાર વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનારા સમયમાં જોવુ જ રહ્યું.

Back to top button
error: Content is protected !!