છેલ્લા છ માસથી બંધ કરાયેલો કુડાનો જર્જરીત બ્રિજ કયારે શરૂ થશે, લોકમાંગ ઉઠી

તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી રણકાંઠા તરફ જતા માર્ગ પર આવેલો કુડાનો જર્જરિત બ્રિજ છ મહિના પહેલા બંધ કરવામાં આવ્યો હતો જોકે તંત્ર દ્વારા હજુ સુધી તેનું સમારકામ શરૂ કરાયું નથી જેના કારણે આઠ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા ખાતે બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જર્જરિત બ્રિજ પરની અવરજવર બંધ કરવાનો આદેશ આપ્યો હતો આ આદેશના પગલે ધ્રાંગધ્રાથી કુડા તરફ જતા કેનાલ પરના આ બ્રિજને પણ બંધ કરવામાં આવ્યો હતો બ્રિજ બંધ થવાથી ધ્રાંગધ્રા તાલુકાના કુડા, કોપરણી, એજાર, નિમકનગર, વિરેન્દ્રગઢ, સત્તાપર સહિત આઠ ગામોના રહીશોને મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા કેનાલના રસ્તેથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ રસ્તો પણ બિસ્માર હાલતમાં છે આ કારણે ગ્રામ્ય વિસ્તારના ખાનગી વાહનો બ્રિજ પાસે આવતા તમામ મુસાફરોને વાહનમાંથી ઉતરીને આશરે બે કિલોમીટર સુધી પગપાળા જવું પડે છે રણકાંઠાના આઠ ગામના દર્દીઓ અને પ્રસૂતા મહિલાઓને તાત્કાલિક સારવાર માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા છ મહિનાથી બ્રિજ બંધ હોવા છતાં તેનું સમારકામ કે નવું નિર્માણ કાર્ય શરૂ કરાયું નથી આથી છેવાડાના ગામોના રહીશો હવે પોતાના જીવના જોખમે જર્જરિત બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા છ મહિનાથી બંધ પડેલા બ્રિજનું તાત્કાલિક સમારકામ કરી ફરીથી શરૂ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.



