
વાત્સલ્યમ સમાચાર
આહવા ડાંગ
ડાંગ જિલ્લાના આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ તથા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.જોકે આ મામલા એ હવે વિવાદ સર્જ્યો છે.કારણ કે અહીં ડિમોલીશન કામગીરી દરમિયાન હાઈકોર્ટ સ્ટેનો ભંગ કરવામાં આવેલ હોય તેવા પુરાવા સાથે એક અરજદારે ડાંગ જિલ્લા કલેકટર, નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી તથા ડાંગ માર્ગ મકાન પેટા વિભાગ આહવાના નાયબ કાર્યપાલક ઈજનેરને આ અંગે અરજી કરી છે.હાલ આહવા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ,રેવન્યુ તથા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.અનેક કેબીન, શેડ અને રોડસાઈડના બાંધકામ હટાવવાની કાર્યવાહી ચાલુ છે.પરંતુ એક કેબીન ધારકના મામલે ગંભીર કાનૂની વિવાદ સર્જાયો છે. કેબીન ધારક રમણભાઈ દેવાભાઇ ગાયકવાડે કરેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ, આહવા ખાતે દબાણ ખાલી કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમાં તેમના પતરા શેડ અને મીટર કનેકશન હતું તે પણ કાપી લેવામાં આવેલ છે અને તેમજ માર્ગ મકાન વિભાગ હસ્તકનાં કર્મચારીઓ દ્વારા રમણભાઈ દેવાભાઇ ગાયકવાડની વર્ષો જુની ચાલી આવેલ દુકાન પણ તોડી નાંખવા ચુનો મારવામાં આવેલ છે.આ જમીન અંગેના વિવાદ બાબતે અરજદાર રમણભાઈ ગાયકવાડે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં CIVIL APPLICATION NO.1 OF 2019 SPECIAL CIVIL APPLICATION NO. 5196 OF 2019 થી પિટિશન દાખલ કરેલા હતી. અને તેમની અરજી હાલે પેન્ડીંગ છે તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા મનાઈ હૂકમ ફરમાવવામાં આવેલ છે કે “ સ્થળ પરની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવી” અને આ મનાઈ હુકમ હાલ પણ ચાલુ હોવા છતાં તંત્ર દ્વારા નામદાર ગુજારાત હાઈકોર્ટના મનાઈ હુકમનો અનાદર કરી અરજદારની જમીન ખાલી કરી કરાવવા અંગેની કાર્યવાહી કરાવેલ છે. જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો મનાઈ હુકમનું સરેઆમ ભંગ કરેલ છે.ત્યારે જયાં સુધી મારી અરજીનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી અરજદારના કબ્જા વાળી જમીન પરની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવામાં આવે નહીતર અરજદારે નાછૂટકે તંત્ર વિરુધ્ધ કોર્ટ ઓફ કન્ટેમ્પટ કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે. ત્યારે હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું..





