જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઇ
જૂનાગઢમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઇ

જૂનાગઢમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ તા.૦૧/૦૮/૨૦૨૬ના રોજ ‘મહિલા સુરક્ષા દિવસ‘ ની ઉજવણી પ્રાથમિક શાળા પાદરીયાના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, સલામતી અને જાગૃતિ માટે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન અને ગુડ-બેડ ટચ: ૧૦૯૮ (1098) નિઃશુલ્ક હેલ્પલાઇન સ્ટાફ દ્વારા બાળકોને આપાતકાલીન કે મુશ્કેલીના સમયે મદદ મેળવવા માટે આ ટોલ ફ્રી નંબરના ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોમાં શારીરિક સુરક્ષા અને જાગૃતિ કેળવવા માટે ગુડ ટચ અને બેડ ટચ વિશે સરળ ઉદાહરણો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. જેથી તેઓ અસુરક્ષિત સ્પર્શને ઓળખી શકે અને ડર્યા વગર વાલીઓ, શિક્ષકો કે હેલ્પલાઇન પર તેની ત્વરિત જાણ કરી શકે. બાળકો માટે સાયબર સમજ: આજની ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ, ઇન્ટરનેટ કે ઓનલાઈન ગેમિંગનો સુરક્ષિત ઉપયોગ કરે તે માટે ‘સાયબર સમજ’ આપવામાં આવી હતી. બાળકો સાયબર ક્રાઈમ અને સાયબર બુલિંઇગ (ઓનલાઈન હેરાનગતિ) નો ભોગ ન બને તે માટે સાવચેતીના પગલાં શીખવવામાં આવ્યા હતા. તેમજ ઓનલાઈન મુશ્કેલી સમયે નિઃશુલ્ક સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ (1930) ના ઉપયોગની માહિતી અપાઈ. ૧૮૧ અભયમ હેલ્પલાઇન અને મહિલા સુરક્ષા: મહિલા સુરક્ષા દિવસની ઉજવણીના અનુસંધાનમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે કાર્યરત નિ:શુલ્ક ૧૮૧ (181) અભયમ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ કટોકટી કે મુશ્કેલીની સ્થિતિમાં મહિલાઓ અને બાળકોને તાત્કાલિક કાનૂની, પોલીસ અને પરામર્શ (Counseling) સહાય ઘર આંગણે કેવી રીતે મળી શકે તેની વિગતવાર સમજ પૂરી પાડવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, DHEW, OSC, PBSC, ૧૮૧ અભયમ, ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન સ્ટાફની ટીમ હાજર રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




