અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષેની થિમ છે. “મેલેરિયા નો અંત આપણાથી શરૂ થાય છે: પુનઃનિવેશ કરો, નવેસરથી કલ્પના કરો, જુસ્સો જગાવો” આ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, અરવલ્લી દ્વારા મેલેરિયા સામે જાગૃતિ લાવવા અને મેલેરિયા મુક્ત ગુજરાતના ઉદ્દેશને આગળ વધારવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ એચ. પરમારનાં માર્ગદર્શન અને જીલ્લા મેલેરિયા અધિકારી ડો.આશિષ ખાંટના દિશાસુચનમાં જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો અને જન સમુદાયોમાં પણ જન-જાગૃતિ કાર્યક્રમો, પોસ્ટર-બેનર સુત્રોચ્ચાર સાથે રેલી યોજાશે.
વિશ્વ મેલેરિયા દિવસે જાણો મેલેરિયાને અટકાવવાનાં ઉપાયો.
દર વર્ષે તા. ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નકકી કરવામાં આવ્યું છે. મેલેરીયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરીયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે.
મેલેરીયા એ માદા એનોફીલીસ મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોના સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરીયા મુકત ગુજરાત થઇ શકે.
મેલેરીયા શું છે?
મેલેરીયા તાવ એ ચેપી એનોફીલીસ માદા મચ્છર ધ્વારા તંદુરસ્ત વ્યકિતને કરડવાથી થતો રોગ છે.
જેના પ્રકાર : ૧. સાદો મેલેરીયા ૨. ઝેરી મેલેરીયા
લક્ષણો : ઠંડી વાગીને તાવ આવવો,માથામાં અને શરીરનાં સાંધામાં દુઃખાવો થવો,તાવ ઉતરે ત્યારે પરસેવો થવો.,ઉબકા આવવા, ઉલ્ટી થવી.,શ્વાસ લેવામાં તકલીફ થવી.
પરોક્ત લક્ષણો જણાય અને તાવ આવે કે તરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો. માણસ અને મચ્છર વચ્ચે નો સંપર્ક અટકાવવા. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ને દૂર રાખનાર મલમનો ઉપયોગ કરો.
તદઉપરાંત સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો. સંધ્યા સમયેથી જ તમારા મકાનના બારી બારણા બંધ કરો. જંતુનાશક દવાના છંટકાવથી રહેણાંક ઘરોમાં તમામ રૂમો આવરી લેવાય તેની પૂરેપુરી કાળજી રાખો. ઘર કે ઑફિસમાં ફુલદાની, કૂલર, સિમેન્ટની ટાંકી,ટાયર વગેરેનું પાણી દર 3 દિવસે બદલો. પાણી ભરાઈ રહે તેવા પાત્રો નિયમિત ખાલી કરી સફાઈ કરો, બંધિયાર પાણી વહેતું ન કરી શકાય તેવાં સંજોગોમાં પાણીમાં પોરાભક્ષક માછલી, બળેલું ઓઇલ કે કેરોસીન નાંખો. રહેણાંક ઘરોની આસપાસના પાણી ભરાવવાના સ્થળો દૂર કરો.