નિરોણા પી.એચ.સી. તેમજ એસ.એસ.પી.એ. હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી.
વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ લાવવાનો પ્રયાસ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૪ માર્ચ : નિરોણા ખાતે આવેલી શ્રી સારસ્વતમ સંચાલિત પી.એ. હાઈસ્કૂલમાં આજરોજ પી.એચ.સી. સેન્ટર, નિરોણા દ્વારા વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય પ્રત્યે વિદ્યાર્થીઓમાં સજાગતા વધારવાના હેતુસર આ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવેલ હતો.કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે શારદે વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીએ ઉપસ્થિત મહેમાનો તથા આરોગ્ય ટીમનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની પૃષ્ઠભૂમિ રજૂ કરી હતી.કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પી.એચ.સી. નિરોણાના મેડિકલ ઓફિસર ડૉ. રાહુલસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ક્ષય રોગ એક ગંભીર પણ સંપૂર્ણપણે સારવાર યોગ્ય રોગ છે તે અંગે સમજાવ્યું હતું અને સમયસર તપાસ તથા સારવારના મહત્વ પર ભાર મૂક્યો હતો.મુખ્ય વક્તા તરીકે સુપરવાઈઝર દામજીભાઈ ચાડે ટ્યુબરક્યુલોસિસ (ક્ષય રોગ) વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે રોગના લક્ષણો, ફેલાવાના કારણો, સમયસર નિદાન અને નિયમિત સારવારના મહત્વ અંગે સરળ ભાષામાં સમજાવ્યું હતું. ઉપરાંત, યોગ્ય પોષણ, સ્વચ્છતા અને દવાઓનો નિયમિત ઉપયોગ કરીને આ રોગને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખી શકાય છે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાતો પાસેથી સંતોષકારક જવાબો મેળવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.એચ.સી.ના MPHW નીતિનભાઈ ભાનુશાલી, મહેશભાઈ ચાડ તેમજ FHW શીવાનીબેનનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ગામના શિક્ષણ અને સમાજ સેવક મોહનભાઈ માતાએ કરેલ હતી.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો તેમજ ક્ષય રોગ સામે લડવા માટે સમાજને સજાગ બનાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.






