BHUJGUJARATKUTCH

વિશ્વ ઝામર સપ્તાહ: ૮ માર્ચ થી ૧૪ માર્ચ, દૃષ્ટિ બચાવવા વૈશ્વિક જનજાગૃતિ પહેલ.

ઝામર: દૃષ્ટિને છીનવી લેતો 'સાયલન્ટ થીફ', સમયસર તપાસ જ અંધત્વ સામેનું સુરક્ષા કવચ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

વિશ્વભરમાં ‘ઝામરમુક્ત વિશ્વ માટે એકત્ર થઈએ’ થીમ સાથે ઉજવાશે, ‘વિશ્વ ઝામર સપ્તાહ’.

ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર : છેવાડાના માનવી સુધી પહોંચી ‘દૃષ્ટિની સારવાર, અંધત્વમુક્ત ગુજરાત માટે નિઃશુલ્ક તપાસ અને સારવાર.

ભુજ,તા-૦૯ માર્ચ  : “આંખો છે તો દુનિયા છે; દૃષ્ટિ છે તો જીવનમાં પ્રકાશ છે. દૃષ્ટિનું રક્ષણ એટલે જીવનના પ્રકાશનું રક્ષણ.” માનવ જીવનમાં આંખોનું મહત્વ અદ્વિતીય છે. આંખો દ્વારા જ આપણે દુનિયાને જોઈ શકીએ છીએ, જીવનના અનેક રંગોનો અનુભવ કરી શકીએ છીએ અને પ્રકૃતિની સુંદરતા માણી શકીએ છીએ. દૃષ્ટિ એ માનવ જીવનની સૌથી કિંમતી સંપત્તિ ગણાય છે. પરંતુ કેટલીક એવી બીમારીઓ છે જે નિઃશબ્દ રીતે આંખોની દૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. તેમાંથી એક ગંભીર અને ઘણી વખત અજાણ્યો રોગ છે ગ્લુકોમા, જેને સામાન્ય ભાષામાં “ઝામર” તરીકે ઓળખવામાં આવે છે.દર વર્ષે ૮ થી ૧૪ માર્ચ દરમિયાન સમગ્ર વિશ્વમાં ‘World Glaucoma Week’ ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો મુખ્ય હેતુ ઝામર એટલે કે ગ્લુકોમા વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો, સમયસર આંખોની તપાસ કરાવવા પ્રેરિત કરવાનો અને અંધત્વ અટકાવવાનો છે. ઝામર એવી આંખની બીમારી છે જે ઘણીવાર શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણ વિના ધીમે ધીમે આંખની દૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. જો સમયસર તેનું નિદાન અને યોગ્ય સારવાર ન થાય તો આ રોગ કાયમી અંધત્વનું કારણ બની શકે છે.વિશ્વ ઝામર દિવસથી સપ્તાહ સુધી, જાણો શું છે ઇતિહાસ અને આ વર્ષની થીમ ઝામર વિશે જનજાગૃતિ લાવવાના પ્રયાસોની શરૂઆત વર્ષ ૨૦૦૮માં થઈ હતી, જ્યારે ‘World Glaucoma Day’ તરીકે એક દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. શરૂઆતમાં આ કાર્યક્રમો મુખ્યત્વે તબીબી સંસ્થાઓ સુધી મર્યાદિત હતા. પરંતુ સમય જતાં સમજાયું કે વ્યાપક જનજાગૃતિ માટે એક દિવસ પૂરતો નથી. તેથી, વર્ષ ૨૦૧૦થી આ ઉજવણીને વિસ્તૃત કરીને World Glaucoma Week (વિશ્વ ઝામર સપ્તાહ) તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું. આ વર્ષે ‘ઝામરમુક્ત વિશ્વ માટે એકત્ર થઈએ’ થીમ સાથે વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે આ અભિયાન વૈશ્વિક સ્તરે એક મોટું જનઆંદોલન બની ગયું છે. ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને મોબાઈલ હેલ્થ સેવાઓ દ્વારા ગામડાં સુધી આંખોની તપાસ અને જાગૃતિ કાર્યક્રમો પહોંચાડવામાં આવી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આંખના વિવિધ રોગો અંગે જાગૃતિ લાવવા અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવા અનેક કાર્યક્રમો અને અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, રાજ્યનો દરેક નાગરિક આરોગ્યદાયક અને સુરક્ષિત જીવન જીવી શકે.ઝામર: દૃષ્ટિનો “સાયલન્ટ થીફ”ઝામર આંખની એવી ગંભીર સ્થિતિ છે જેમાં આંખની અંદરનું દબાણ વધે છે અને તે આંખની મુખ્ય નસ એટલે કે ‘ઓપ્ટિક નર્વ’ને નુકસાન પહોંચાડે છે. આ નસ આંખમાંથી મળતા દૃષ્ટિ-સંકેતોને મગજ સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે.જ્યારે આંખની અંદરનું દબાણ વધે છે ત્યારે ઓપ્ટિક નર્વ ધીમે ધીમે ક્ષતિગ્રસ્ત થાય છે. શરૂઆતમાં દર્દીને કોઈ ખાસ તકલીફ અનુભવાતી નથી, પરંતુ સમય જતાં આંખની આસપાસની દૃષ્ટિ ઘટવા લાગે છે. આ સ્થિતિ આગળ વધે ત્યારે વ્યક્તિને માત્ર મધ્ય ભાગમાં જ દેખાય છે, જેને “ટનલ વિઝન” તરીકે ઓળખવામાં આવે છે.ઝામરની સૌથી ગંભીર બાબત એ છે કે આ રોગથી થયેલું નુકસાન કાયમી હોય છે. એકવાર આંખની નસને નુકસાન થઈ જાય પછી દૃષ્ટિ પાછી મેળવી શકાતી નથી. પરંતુ સમયસર નિદાન દ્વારા રોગને વધુ આગળ વધતો અટકાવી શકાય છે. તેથી નિયમિત આંખોની તપાસ ગ્લુકોમા નિયંત્રણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ઝામરના લક્ષણો ઝામર ઘણીવાર શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણ બતાવતો નથી. છતાં કેટલીક પરિસ્થિતિઓમાં નીચે દર્શાવેલ સંકેતો જોવા મળી શકે છે: – આંખમાં દુખાવો અથવા ભારેપણું વારંવાર માથાનો દુખાવો આંખોમાં લાલાશ પ્રકાશની આસપાસ રંગીન કુંડાળા દેખાવા ચશ્માના નંબર વારંવાર બદલાવા ધીમે ધીમે દૃષ્ટિ ઓછી થવી આંખની બાજુઓની દૃષ્ટિ ઘટવી જો આવા કોઈ લક્ષણો જણાય તો તરત જ આંખના નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

કોને વધુ જોખમ?

ઝામર કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ કેટલાક લોકોમાં આ રોગ થવાનું જોખમ વધુ રહે છે. ખાસ કરીને: -૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો,ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ,પરિવારમાં ઝામરનો ઇતિહાસ ધરાવતા લોકો,મોટા નંબરના ચશ્મા ધરાવતા લોકો લાંબા સમય સુધી સ્ટેરોઇડ દવાઓનો ઉપયોગ કરનાર લોકો આંખમાં ઇજા થયેલી હોય અથવા આંખની અન્ય બીમારીઓ ધરાવતા લોકો આવા લોકોએ નિયમિત આંખોની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.ગુજરાત સરકારની આરોગ્ય પહેલ: ‘અંધત્વમુક્ત રાષ્ટ્ર’ના સંકલ્પને સાકાર કરતું ગુજરાત.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો નિર્ધાર છે કે ભારત એક “અંધત્વમુક્ત રાષ્ટ્ર” બને. આ વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્યના દરેક નાગરિકને શ્રેષ્ઠ અને આધુનિક આંખની સારવાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ (NPCB&VI)ગુજરાત રાજ્યમાં ખૂબ જ અસરકારક રીતે અમલી છે. આ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આંખના જટિલ રોગોનું નિદાન અને સારવાર તદ્દન મફત આપવામાં આવે છે.

ઉપલબ્ધ મુખ્ય સારવાર અને સુવિધાઓ: – વિવિધ રોગોનું નિદાન: મોતિયો, ઝામર, વેલ, આંખના પડદાની તપાસ અને ત્રાસી આંખની સારવાર.

આધુનિક ટેકનોલોજી: અત્યાધુનિક સાધનો દ્વારા સચોટ નિદાન અને ઓપરેશન.

નિઃશુલ્ક સેવા: તપાસથી લઈને શસ્ત્રક્રિયા સુધીની તમામ સેવાઓ વિનામૂલ્યે.

રાજ્યનો કોઈપણ નાગરિક દ્રષ્ટિની ખામીને કારણે અંધકારમાં ન રહે તે માટે આરોગ્ય સેવાઓને છેવાડાના ગામ સુધી પહોંચાડવાનો મુખ્યમંત્રીશ્રીનો અભિગમ રહ્યો છે. ગુજરાત સરકારની આ પહેલથી લાખો નાગરિકોને નવી દ્રષ્ટિ મળી રહી છે. સરકારની આર્થિક સહાય અને આધુનિક માળખાગત સુવિધાઓને કારણે આજે રાજ્યમાં અંધત્વના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.આમ, ઝામર જેવી ગંભીર બીમારીથી બચવા માટે ૪૦ વર્ષની ઉંમર પછી નિયમિત રીતે આંખોની તપાસ કરાવો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો. ડોક્ટરની સલાહ વિના આંખમાં કોઈ પણ દવા નાખવી નહીં. આંખમાં કોઈ તકલીફ જણાય તો તરત નિષ્ણાતની સલાહ લો. આરોગ્ય વિભાગ દ્વારા સમયાતંરે યોજાતા તપાસ કાર્યક્રમોમાં ભાગ લો.વિશ્વભરમાં ઉજવાતું ‘World Glaucoma Week’ આપણને આંખોની કાળજી રાખવાની પ્રેરણા આપે છે. જો સમાજનો દરેક નાગરિક જાગૃત બને અને સમયસર તપાસ કરાવે, તો ઝામર જેવા ગંભીર રોગને નિયંત્રિત કરી શકાય છે અને અનેક લોકોને અંધત્વથી બચાવી શકાય છે. આંખો આપણા જીવનની અમૂલ્ય સંપત્તિ છે. તેની કાળજી રાખવી એ આપણી સામાજિક જવાબદારી પણ છે. “વિશ્વ ઝામર સપ્તાહ” નિમિત્તે સંકલ્પ કરીએ કે, ૪૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે આંખોની તપાસ કરાવીશું.“આંખોની સુરક્ષા એટલે જીવનના પ્રકાશની સુરક્ષા. દૃષ્ટિ બચાવો – જીવનમાં પ્રકાશ જાળવો.”

Back to top button
error: Content is protected !!