પ્રજ્ઞાચક્ષુઓ માટે પશ્ચિમ અને દક્ષિણ ઝોનલ ફૂટબોલ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત ગુજરાતમાં આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન (IBFF) અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે પશ્ચિમ અને દક્ષિણ ઝોનલ ફૂટબોલ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા ૨૯થી ૩૧ માર્ચ દરમિયાન થલતેજની કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાશે, જેમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતની ૫ પુરુષ અને ૪ મહિલા ટીમો ભાગ લેશે. ચેમ્પિયનશિપના વિજેતા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પાત્ર બનશે.
ફેડોરા સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત આ ઈવેન્ટનું ઉદ્ઘાટન જાણીતા મહિલા ફૂટબોલ ખેલાડી શિલ્પા ઠાકોર અને BAOUના કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાયની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. ગુજરાત ટીમના કોચ વિષ્ણુ વાઘેલા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
બ્લાઇન્ડ ફૂટબોલ 5-એ-સાઇડ રમત છે, જેમાં ૪ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ અને એક દૃષ્ટિહીન ગોલકીપર રમે છે. રમત માટે અવાજવાળો વિશેષ બોલ વપરાય છે અને સૌથી વધુ દૃષ્ટિહીન ખેલાડીઓ માટે ગોલ ગાઇડ અને કોચ માર્ગદર્શન આપે છે.
આ ચેમ્પિયનશિપ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ તક પુરવાર થશે, જે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તકો પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવશે.