
તાહિર મેમણ- ડેડીયાપાડા- 12/05/2025 – નર્મદા જિલ્લામાં વિકાસશીલ તાલુકા યોજના ૨૦૨૫-૨૬ના આયોજન સંદર્ભે કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમ ખાતે કલેક્ટર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયત દેડિયાપાડાના પ્રમખ ઉપસ્થિત રહી પોતાના મતવિસ્તારના સંભવિત વિકાસ કામોનું આયોજન પ્રસ્તુત કર્યું હતું. જેની ચર્ચા વિચારણાના અંતે સર્વસંમતિ સધાઈ હતી.
સાંસદશમનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા વિકાસશીલ તાલુકામાં સરકારની જે કોઈ યોજનાઓ નાગરિકો સુધી રહોંચે છે તેનો યોગ્ય રીતે અમલ થાય, સાચા લાભાર્થીઓને યોજનાનો લાભ મળે, બોર-મોટરના જે કોઈ કામો મંજૂર થઈને આવ્યા છે તે ઝડપથી પૂર્ણ થાય અને બચત ગ્રાન્ટ હોય તો તેમાંથી જરૂરિયાત વાળા ગામોમાં નવા કામો કરવા અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું કે, પછાત જિલ્લાઓમાં પ્રભારી સચિવશ્રી ગુજરાત અને કેન્દ્ર દ્વારા રૂપિયા ૧૦ કરોડની રકમ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા પણ એસ્પિરેશનલ જિલ્લાને વધારાના રૂપિયા ૧૦ કરોડ ફાળવ્યા છે. એટીવીટીના કામોમાં જવાબદાર અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને વિશ્વાસમાં લઈને યોગ્ય આયોજન-ચર્ચા-વિચાર વિમર્સથી નાગરિકોની સુવિધા અને વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે કાર્ય કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદિપ સાંગલે સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિકાસશીલ તાલુકાના આયોજન વર્ષ ૨૦૨૫-૨૬ના કામોનું આયોજન પ્રસ્તુત કરતા નવા કામોની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલવા અંગે સર્વસંમતીથી બહાલી આપી હતી. વિકાસશીલ તાલુકાના રૂપિયા બે-બે કરોડના મળી કુલ ૪ કરોડના વિકાસ કામો કરવામાં આવશે.




