મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટાસોનેલા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સંભારંભ યોજાયો….
અમીન કોઠારી મહીસાગર
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે મહીસાગર જિલ્લાના મોટા સોનેલા, ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સંભારંભ આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે યુવાઓને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે યુવા શક્તિનું યોગદાન અત્યંત મહત્ત્વનું છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર મેળવનાર નહીં, પરંતુ આત્મનિર્ભર બનીને રોજગાર દાતા બને. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમને સ્વ-રોજગાર માટે તૈયાર કરવા વ્યવસાયલક્ષી શિક્ષણને વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત ધુરા સંભાળી હતી અને આજે તેના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીની ‘સૌના સાથ, સૌના વિકાસ’ ની વિચારધારા સાથે, ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાઓની સુષુપ્ત શક્તિને બહાર લાવવાની અને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહેશે. તેમણે યુવાઓને આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સક્રિયપણે જોડાવા માટે આહવાન કર્યું હતું.
ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉપસ્થિત યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ રોજગાર એનાયત પ્રમાણપત્રો અને આઈ. ટી. આઈ ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો સહિત યુવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ શુભારંભ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, ડી વાય એસ પી કમલેશ વસાવા, રોજગાર અધિકારી સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.