દાહોદના રામાનંદ પાર્કમાં શ્રાવણ માસ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો: ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે કરી પૂજા-અર્ચના

તા.૨૭.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદના રામાનંદ પાર્કમાં શ્રાવણ માસ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો: ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે કરી પૂજા-અર્ચના
પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચનાનો વિશેષ મહિમા રહેલો છે. આ અંતર્ગત દાહોદના આસ્થાના કેન્દ્ર સમાન રામાનંદ પાર્ક પરિસરમાં આવેલા રામાનંદ મહાદેવ મંદિરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ (રામાનંદ પાર્ક)ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રીના પરમ સાનિધ્યમાં રામાનંદ પાર્ક સેવા સમિતિ, દાહોદ દ્વારા ભવ્ય લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું.આ ધાર્મિક ઉત્સવ નિમિત્તે રામાનંદ પાર્ક ખાતે પવિત્ર શિવલિંગનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના અને યજ્ઞનું કાર્ય સંપન્ન થયું હતું. રામાનંદ પાર્કના મીડિયા પ્રભારી ડૉ. નરેશ ચાવડાના જણાવ્યા અનુસાર, આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ શિવભક્તો તેમજ દાહોદ અને પંચમહાલ પંથકમાંથી આવેલા હરિભક્તોને શ્રી જગદીશદાસજી મહારાજશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા.આ ધાર્મિક કાર્યક્રમમાં દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નિનામા સહિત નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને વિધિવત રીતે મહાદેવની પૂજા તથા અભિષેક કર્યો હતો. પૂજા બાદ તમામ ભક્તોએ મહાદેવના દર્શન કરી ભોજન પ્રસાદીનો લહાવો લીધો હતો.



