INTERNATIONAL

જ્યોર્જિયામાં સરકારી વિરોધી દેખાવ, લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવનને ઘેર્યો

જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં શનિવારે (4 ઓક્ટોબર) હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન (ઓર્બેલિયાની પેલેસ) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ સાથે હિંસક અથડામણ થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો. આ સિવાય પેપર સ્પ્રે અને આંસુ ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક પ્રદર્શનકારીઓ બેરિકેડિંગ તોડીને રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાર બાદ સ્થિતિ વણસી હતી.

આ વિરોધ પ્રદર્શન દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે છે, જેનો મોટાભાગના વિરોધ પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જે યુરોપિયન યુનિયન (EU) તરફી છે. જ્યોર્જિયાની વર્તમાન સરકારે યુરોપિયન સંઘ પર દેશમાં રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્ઝે કહ્યું કે, યુરોપિયન સંઘના ઝંડા સાથે તોફાનીઓએ રાષ્ટ્રપતિ ભવનની બહારના બેરિકેડ્સમાં આગ લગાવી હતી. તેમણે યુરોપિયન સંઘ રાજદૂત પર જ્યોર્જિયામાં ‘બંધારણીય વ્યવસ્થાને ઉથલાવી પાડવાના પ્રયાસ’માં વિરોધીઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો.

ગયા વર્ષની સંસદીય ચૂંટણીઓથી જ્યોર્જિયા રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. વિપક્ષે શાસક જ્યોર્જિયન ડ્રીમ પાર્ટી પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે. દેશની સંસદીય ચૂંટણીઓનું નિરીક્ષણ કરવા માટે નિયુક્ત આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ પણ અનિયમિતતાઓ, હિંસા અને ધમકીઓને કારણે જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીની જીતને ખામીયુક્ત જાહેર કરી હતી. ત્યારબાદ, વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્ઝેની આગેવાની હેઠળની સરકારે યુરોપિયન સંઘ જોડાણ વાટાઘાટો સ્થગિત કરી, જેનાથી જનતાનો ગુસ્સો વધુ ભડક્યો.

જ્યોર્જિયામાં સરકાર વિરોધી આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે હજારો પ્રદર્શનકારીઓ જ્યોર્જિયા અને યુરોપિયન યુનિયન (EU)ના ઝંડા લહેરાવતા ત્બિલિસીના ફ્રીડમ સ્ક્વેર અને રુસ્તવેલી એવન્યુ પરથી માર્ચ કરતા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા પ્રસિદ્ધ ઓપેરા ગાયક પાતા બરચુલાદ્જે (Paata Burchuladze) એ એક ઘોષણા વાંચી હતી, જેમાં ગૃહ મંત્રાલયના કર્મચારીઓને જનતાની ઇચ્છાનું પાલન કરવા અને સત્તાધારી જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીના વડાપ્રધાન ઇરાકલી કોબાખિદ્જે સહિત છ વરિષ્ઠ નેતાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!