Rajkot: ભૂલી પડેલી બાળકીને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ

તા.૨૫/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે સરકારશ્રીની અનેક યોજનાઓ કાર્યરત છે. સરકારશ્રી મહિલાઓ માટે ખાસ કરીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે સુરક્ષાનું અભય વચન પૂરું પાડી રહી છે.
રાજકોટ શહેર ખાતે પાંચ વર્ષની બાળકીની મદદ માટે એક જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. બાળકીની મદદ માટે અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમના કાઉન્સેલરશ્રી વૈશાલીબેન ચૌહાણે બાળકીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, બાળકી તેણીના માતા-પિતાને શોધતી હતી અને તેના માતાપિતાનું નામ યાદ ન આવતા ખુબ જ ગભરાયેલી હતી. કાઉન્સેલિંગના થોડા સમય પછી બાળકી શાંત થતાં જણાવ્યું કે, તેના માતાપિતા કારખાનામાં કામ કરે છે, અને તેમના ઘર પાસેના દુકાનદારનું નામ યાદ આવતા અભયમ ટીમ એ વિસ્તાર પાસે પહોંચી હતી. ત્યાં તે વિસ્તારમાં બાળકીની બહેન બહાર રમતી હતી. ત્યારબાદ, અભયમ ટીમે બાળકીની બહેન પાસેથી તેઓના માતાપિતાનો ફોન નંબર અને જરૂરી આધારપુરાવા મેળવી તેમના માતાને યોગ્ય સલાહ-સૂચન અને માર્ગદર્શન આપ્યા હતા. અને ત્યારબાદ અભયમ ટીમે બાળકી માતાને સોંપી ત્યારે માતાએ ભાવુક થઈને ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ભૂલી પડેલી બાળાને તેના ઘરે સુરક્ષિત પહોંચાડી હતી.




