
દાહોદમાં એક મંત્રી પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું: ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 27/03/2025 – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક મંત્રી પુત્રના 250 કરોડના કૌભાંડ વિશે ખુલાસો કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં એક મંત્રીના પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે. મનરેગામાં 40-60 નો રેસીયો હોય છે, તેમાં 60% મજૂરોનો ખર્ચ અને 40 ટકા મટીરીયલનો ખર્ચ હોય છે. આ કામમાં એક ધારાસભ્યના પુત્રની કંપનીને 250 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ મુદ્દા પર 19 જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને જણાવ્યું કે જે કામો બતાવવામાં આવ્યા છે તે કામો થયા નથી અને કંપનીને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. તો સવાલ એ થાય છે કે ધારાસભ્યના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતે 250 કરોડનું કામ મળી જાય છે?
આ ફક્ત દાહોદનું કૌભાંડ છે, આ સિવાય નર્મદા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપની મટીરીયલ પૂરું પાડવા માટે આવી હતી, આ કંપનીની જો તપાસ કરવામાં આવે તો 2200થી 2500 કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે. મટીરીયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ રેતી, કપચી કે સળિયા નાખ્યા વગર તે લોકોએ બિલો પાસ કરાવ્યા છે. આવી એજન્સીઓના કારણે આદિવાસી વિસ્તારોનો વિકાસ થતો નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, તેને એનજીઓ, એજન્સીઓ, નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને પ્લાનિંગ કરે છે કે કોને કેટલા રૂપિયા મળશે અને તે લોકો એ પ્રમાણે કામો પાસ કરે છે અને બિલો પાસ કરે છે.




