ખેતરોમાં પડી રહ્યા છે 100 ફૂટથી પણ વધુ પહોળા ‘ભુવા’!, ગ્લોબલ વોર્મિંગ જવાબદાર કે કઈ અન્ય જોખમ ?

ગ્લોબલ વોર્મિંગના અભૂતપૂર્વ માઠા પરિણામ પૃથ્વી ભોગવી રહી છે. એમાંનું એક તાજું પર્યાવરણીય સંકટ તૂર્કિયેમાં સર્જાયું છે. તૂર્કિયેના ‘અનાજનો ભંડાર’ કહેવાતા સમૃદ્ધ ખેત-પ્રદેશ ‘કોન્યા’ની ફળદ્રુપ જમીનમાં મસમોટા ભુવા પડવા લાગ્યા છે. તુર્કિશ ભાષામાં ‘ઓબ્રુક’ અને અંગ્રેજીમાં ‘સિંકહોલ’ કહેવાતા આવા ભુવાની સંખ્યા પાચ-દસ નહીં, પણ 700 જેટલી છે! જેમાંના ઘણા તો 100 ફૂટથી પણ વધુ પહોળા અને સેંકડો ફૂટ ઊંડા છે. આવા ભુવા ખેતરો, સડકો અને ગામડામાં અચાનક જ બની જાય છે. એક ક્ષણે સાજીસમી લાગતી જમીન એકાએક જ ધડ કરતી અંદર ધસી પડે છે, જેને લીધે ફક્ત ખેતપેદાશો જ બરબાદ નથી થઈ રહી, પણ ગામડાના લોકોના જીવન પણ જોખમમાં મુકાઈ ગયા છે. માથે લટકતી અદૃશ્ય તલવાર જેવા આ ‘ઓબ્રુક’ બનવાનું કારણ શું છે, ચાલો સમજીએ.
આ સમસ્યાનું મુખ્ય કારણ છે ભૂગર્ભજળનું અતિશય અને અનિયંત્રિત દોહન છે. કોન્યાના મેદાની પ્રદેશમાં ઘઉં, બીટ અને મકાઈ જેવી ફસલોની ખેતી મોટા પાયે થાય છે. આ તમામ પાક લેવા માટે પુષ્કળ પાણી જોઈએ છે. તાજેતરના વર્ષોમાં તુર્કિયેમાં વરસાદ પડવાનું પ્રમાણ ઘટી ગયું છે, જેને લીધે અહીં ખેતી ભૂગર્ભજળ આધારિત થઈ ગઈ છે. ખેડૂતો પાણી મેળવવા માટે વધુ ને વધુ ઊંડા કૂવા ખોદીને પાણી મેળવે છે. એક અંદાજ મુજબ આ પ્રદેશમાં 1 લાખથી વધુ કૂવા છે, જેમાંના અનેક ગેરકાયદેસર છે. અતિશય પંપિંગના કારણે ભૂગર્ભજળનું સ્તર ભયંકર રીતે નીચે ચાલ્યું ગયું છે. એક અંદાજ મુજબ 10 મીટરથી પણ વધુ નીચે.
કોન્યા પ્રદેશની નીચેની જમીન મુખ્યત્વે ‘કાર્સ્ટ લેન્ડસ્કેપ’ છે, એટલે કે તે ચૂનાના પથ્થર અને નરમ ખડકોનું બનેલું છે, જે પાણીના સંપર્કમાં આવતાં સરળતાથી ઓગળી જાય છે. જ્યારે ભૂગર્ભજળનું સ્તર ઊંચું હોય છે, ત્યારે આ ખડકો ડૂબેલા રહે છે અને સ્થિર રહે છે. પરંતુ જ્યારે અતિશય પંપિંગને કારણે પાણીનું સ્તર નીચું ઉતરવા લાગે છે, ત્યારે જમીનની નીચે ખાલી જગ્યાઓ (કેવર્ન) બનવા લાગે છે. કેવર્નની ઉપરની જમીન અને માટીનું વજન ‘પાણીના ટેકા’ વિનાનું થઈ જતાં એનું દબાણ કેવર્ન પર આવવા લાગે છે, જેને લીધે જમીન એકાએક જ નીચે ધસી પડે છે અને વિશાળ, ઊંડા ઓબ્રુક બની જાય છે.
તાજેતરના વર્ષોમાં ઓબ્રુક બનવાની ઘટનાઓમાં ભયંકર વેગ આવ્યો છે. અગાઉ વર્ષે એકાદ ઓબ્રુક બનતો, હવે તો વર્ષે પંદર-વીસ ઓબ્રુક બની જાય છે. છેલ્લા એક વર્ષમાં જ 20થી વધુ નવા ઓબ્રુક બની ગયા છે. એ ફક્ત ખેતરોમાં જ નહીં, પણ સડકો અને રહેણાંક વિસ્તારોમાં પણ પડવા માંડ્યા હોવાથી ઘરવખરી અને ઢોરઢાંખર ઉપરાંત માનવજીવન પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
આ સંકટની સ્થાનિક ખેડૂતો પર સીધી અસર થઈ છે. ઘણા ખેડૂતોએ ખેતરોમાં પડેલા ભુવાને કારણે પોતાનો સંપૂર્ણ પાક ગુમાવ્યો છે. હવે ખેડૂતો ખેતરમાં ટ્રેક્ટર ચલાવતી વખતે પણ જમીન તૂટી પડવાના ભયમાં જીવે છે. ખેતીલાયક જમીનનો નાશ થવાથી તેમની આજીવિકા ખતરામાં છે. માતા કહેવાતી ધરતી જ હવે એના પુત્રોને ગળી જવા લાગી છે, એ કેવી વક્રતા!








