જૂનાગઢના બહાઉદ્દિન કોલેજનાં પટાંગણમાં જિલ્લા કક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરાઈ

આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ :- ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા
…
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સહિતના મહાનુભાવો અને નાગરિકો ‘વિશ્વ યોગ દિવસ‘ની ઉજવણીમાં જોડાયા
જૂનાગઢ તા. ૨૧ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ના સંદેશ સાથે આજે તા. ૨૧ જૂનના રોજ જૂનાગઢનાં બહાઉદ્દિન કોલેજ પરિસરમાં જિલ્લા કક્ષાના ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જૂનાગઢનાં ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા, કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતીન સાંગવાન, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિદ્યાભવનનાં વડા, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
આ પ્રસંગે વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું કે, સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન પાઠવું છું. તેમણે યોગાભ્યાસ પર ભાર મુકતાં કહ્યું કે, આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે.
લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો અને જિલ્લા જેલ સહિત જૂનાગઢનાં પ્રસિધ્ધ યાત્રા સ્થળો ઉપરકોટ સહિત વિવિધ જગ્યાએ પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ સ્ટાફ, વિવિધ શાળા- કોલેજોનાં છાત્રો, જૂનાગઢનાં યોગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વયંસેવી સંસ્થાઓનાં કાર્યકર્તા, સહિત વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, સારી સંખ્યામાં નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમ્યાન નડ્ડાબેટથી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં યોજાયેલ રાજ્ય કક્ષાનાં કાર્યક્રમને ઉપસ્થિત સૈાએ વિડીયો માધ્યમથી માણ્યો હતો.કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમત-ગમત કચેરી અને યુવા વિકાસ અધિકારી સુશ્રી નિતાબેન વાળા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.







