નેપાળમાં વરસાદના લીધે સર્જાયેલ પૂર અને ભૂસ્ખલનને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 192 પર પહોંચી
ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના લીધે સર્જાયેલ પૂર અને ભૂસ્ખલનને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 192 પર પહોંચી ગઈ છે. આ સાથે જ 42 લોકો ગુમ થયાના સમાચાર છે. પૂર સંબંધિત ઘટનામાં 111થી વધુ લોકો ઘાયલ થયા છે. શુક્રવારથી પૂર્વી અને મધ્ય નેપાળનો મોટો ભાગ જળમગ્ન થઈ ગયો છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં 111 લોકો ઘાયલ થયા છે. પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે 42 લોકો ગુમ છે. દેશભરમાં મૂશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂર બાદ મૃત્યુઆંક વધીને 192 થઈ ગયો છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિ રામ તિવારીએ જણાવ્યું હતું કે રાહત કામગીરી માટે હેલિકોપ્ટર અને બોટની સાથે 3,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
કાઠમંડુની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શુક્રવાર સાંજથી રદ કરવામાં આવી છે, જેના કારણે 150થી વધુ ફ્લાઈટ્સને અસર થઈ છે. જો કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હજુ પણ ચાલુ છે. પોલીસ કાટમાળ હટાવીને રસ્તાઓ ફરી ખોલવાનો પ્રયાસ કરી રહી છે જેથી ટ્રાફિક સામાન્ય થઈ શકે. હવામાન પરિવર્તનના કારણે નેપાળમાં વરસાદ અને પૂરની ઘટનાઓ વધી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 170થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. નેપાળમાં દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસામાં તબાહી મચે છે. પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર છે.
તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. નેપાળ સેનાએ દેશભરમાંથી 162 લોકોને હવાઈ માર્ગે નિકાળ્યા છે. પોખરેલે કહ્યું કે પૂરથી પ્રભાવિત 4 હજાર લોકોને નેપાળ સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસના જવાનોએ બચાવ્યા છે.