ઓક્ટોબરમાં જ થીજી ગયું દેવતાલ સરોવર, માઇનસમાં પહોંચ્યું તાપમાન

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર માણા ગામ નજીક આવેલું દેવતાલ (Devatal) સરોવર હાલમાં સંપૂર્ણપણે બરફની ચાદર ઓઢીને થીજી ગયું છે. સમુદ્ર સપાટીથી 18,000 ફૂટની ઊંચાઈએ આવેલું આ સરોવર ઓક્ટોબરમાં થયેલી અસામાન્ય હિમવર્ષા અને તાપમાનમાં તીવ્ર ઘટાડાને કારણે ચમકદાર બરફમાં પરિવર્તિત થયું છે. આ દ્રશ્ય માત્ર પ્રકૃતિનો ચમત્કાર નથી, પરંતુ હિમાલયી ક્ષેત્રમાં આબોહવા પરિવર્તનના સંકેતો પણ આપી રહ્યું છે.
આ વર્ષે પહાડો પર ઠંડીનો પ્રકોપ એટલો તીવ્ર છે કે, સામાન્ય કરતાં વધુ હિમવર્ષાએ સમગ્ર વિસ્તારને સફેદ કરી દીધો છે. માણા ગામથી થોડે દૂર આવેલું દેવતાલ સરોવર હિંદુ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે. માન્યતા છે કે મહાભારતકાળમાં પાંડવોએ અહીંથી દેવતાઓનો આશીર્વાદ લીધો હતો, તેથી તેનું નામ ‘દેવતાલ’ પડ્યું.
જોકે, ઓક્ટોબરના મધ્યમાં જ સરોવરનું જામી જવું એ અસામાન્ય ઘટના છે. હવામાન વિભાગના મતે, આ વિસ્તારમાં તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે પાછલા વર્ષો કરતાં ઘણું નીચું છે.
બરફની મજબૂત થર એટલી જાડી થઈ ગઈ છે કે, પ્રવાસીઓ તેના પર ચાલીને ફોટોગ્રાફી કરી રહ્યા છે. દેવતાલ સરોવરને પ્રવાસીઓ માટે સપ્ટેમ્બર 2021માં ખોલવામાં આવ્યું હતું. ભારત-ચીન યુદ્ધ પછી અહીં પ્રવાસીઓને મંજૂરી નહોતી. ઇનર લાઇન પરમિટ (ILP) મેળવનાર સ્થાનિકો અને ટ્રેકર્સ હવે આ મનોહર દ્રશ્યનો આનંદ લેવા પહોંચી રહ્યા છે. દેવતાલ સુધી પહોંચવાનો રસ્તો પણ ખૂબ રોમાંચક છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ગ્લોબલ વૉર્મિંગને કારણે પ્રાદેશિક સ્તરે મોસમી ઉતાર-ચઢાવ વધી રહ્યા છે, જેના કારણે અચાનક ઠંડી અને હિમવર્ષા થઈ રહી છે. દેવતાલ જેવી ઊંચાઈ પરના સરોવરો આબોહવા પરિવર્તનના સંવેદનશીલ સૂચક છે.
ચમોલી જિલ્લા વહીવટીતંત્રે પ્રવાસીઓને ચેતવણી આપી છે કે, ઠંડા અને લપસણા રસ્તાઓને કારણે સાવચેતી રાખવી. પ્રવાસીઓને ગરમ કપડાં, આવશ્યક દવાઓ અને ઇનર લાઇન પરમિટ સાથે રાખવા વિનંતી કરવામાં આવી છે. બદ્રીનાથ ધામની નજીક આવેલું આ સ્થળ શિયાળામાં મુશ્કેલ હોવા છતાં પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષિત કરી રહ્યું છે.



