NANDODNARMADA

નર્મદા જિલ્લામાં સાવલી અગર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના કામોનું મંત્રી કુંવરજી બાવળિયાએ નિરીક્ષણ કર્યું

નર્મદા જિલ્લામાં સાવલી અગર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના કામોનું મંત્રી કુંવરજી બાવળિયાએ નિરીક્ષણ કર્યું

 

નર્મદા જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમ્યાન મંત્રીએ જિલ્લાના ખામર હેડવર્ક પમ્પ હાઉસ, ૧૮૦ ચો.મી. તથા ફિલ્ટર પ્લાન્ટ ૧૨.૯૭ એમ.એલ.ડી ક્ષમતા પ્લાન્ટ, લેબોરેટરી અને ભમરી કરજણ જળાશય યોજના આધારિત પીવા-સિંચાઇના પાણીની સમીક્ષા તથા કરજણ ડેમની મુલાકાત, જીતગઢ વોટર વર્કની તેમજ પાણી વિતરણ વ્યવસ્થાની રૂબરૂ મુલાકાત કરી જાત માહિતી મેળવી

 

મંત્રીશ્રી કુંવરજી બાવળીયાની મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેષ વસાવા પણ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહીને વિસ્તારના ગામોના પીવાના પાણી અને સિંચાઇ અંગે રજૂઆતો કરી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નર્મદા જિલ્લાના એક દિવસિય પ્રવાસે હતા. તા. ૭ મી નવેમ્બરે મંત્રી સવારે ૧૦ વાગ્યે તિલકવાડા તાલુકાના વજેરીયા ખાતે આવી પહોંચ્યા હતા. સ્થાનિક પદાધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

સાવલી અગર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત કરી હતી અને સ્થળ પર પ્રગતિ હેઠળના કામોનું નિરિક્ષણ કર્યુ હતુ. જેમાં સમ્પ, વોટર વર્કર, પાણીની ટાંકી, અને સ્થળ પર બાંધકામ થઈ રહેલા પ્રગતિ હેઠળના કામોનું બારીકાઈથી નિરિક્ષણ કરીને વિગતો મેળવી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ૪૦ ગામો અને ૦૫ પરાનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજનામાં નર્મદા વાડીયા બ્રાન્ચ (નર્મદા મુખ્ય નહેરના સાંકળ ૯.૯૩૨ કિ.મી) નહેરમાંથી ધનિયાલા ગામ નજીક કુદરતી તળાવ બનાવી રો-વોટર મેળવી કાંદલેજ ગામ નજીક ૨.૨૦ એમ. એલ. ડી. ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ મારફતે ફિલ્ડર કરી ૨૨.૦૦ લાખ લીટર ક્ષમતાના ભુગર્ભ સમ્પમાં એકત્ર કરી ત્યાંથી ૧૦.૦૦ લાખ લીટર ક્ષમતાની ઉંચી ટાંકીમાં પંપિંગ કરી ગ્રેવીટી દ્વારા ગ્રામ્ય લેવલના ભૂગર્ભ સમ્પમાં પાણી પુરૂ પાડવામાં આવે છે. જેના દ્વારા લોકો અત્યારે હયાત સાવલી અગર જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ૭૦ લીટર વ્યક્તિ પ્રતિ દિવસ પ્રમાણે પાણી મેળવે છે. જે હાલની જરૂરિયાતને અપૂરતી જણાતા હયાત યોજનાના બધાજ ઘટકોને હયાત પાણીની જરૂરિયાત મુજબ ૧૦૦ લીટર પ્રતિ વ્યક્તિ, પ્રતિદિવસ મુજબ આપવાની યોજના બનાવી છે.

આ યોજનાથી ૪0 ગામ અને 0૫ પરાનો સમાવેશ સાવલી-અગર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે. આ સુધારણા યોજનાને બે ઝોનમાં વહેંચવામાં આવી છે. એક ઝોનમાં ૧૯ ગામો અને ૨ પરાને હયાત યોજના દ્વારા કાંદલેજ મેઈન હેડ વર્કસ હયાત ૨.૨0 એમ.એલ.ડી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે. અને બાકી રહેલા ગામો અને પરાને વજેરીયા ગામ પાસે નવું હેડ વર્કર્સ બનાવી ત્યાં ૩.00 એમ.એલ.ડીનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવી ત્યાંથી પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

આ યોજના અંદાજિત રકમ રૂપિયા ૨૪,૩૨,૭૪,૮૦૫.૫૯ થી ડી.ટી.પી. ને મંજૂરી મળેલ છે. આ યોજનાનું ૯૫ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી લોકોને પીવાના પાણીમાંથી રાહત મળશે. મંત્રીશ્રીએ વજેરીયા ખાતે ગ્રામજનો અને સરપંચશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પ્રશ્નોને પણ સાંભળીને હકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યા હતા અને પાણી અંગે કરેલા આયોજનની વિગતવાર માહિતી આપી હતી.

 

ત્યારબાદ મંત્રીએ ખામર ખાતે પાણી પુરવઠા યોજના દ્વારા બનાવેલા પમ્પ હાઉસ ૧૮0 ચો.મી. હેડ વર્કસ ફિલ્ટર પ્લાન્ટ ૧૨.૯૭ એમ.એલ.ડી ક્ષમતાનું પણ સ્થળ પર રૂબરૂ નીરીક્ષણ કરીને હયાત સ્ત્રોત અને સાધન-સુવિધાનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કરી પાણી પુરવઠા વિભાગના અધિકારી પાસેથી માહિતી મેળવી હતી અને ૯ ગામોને પાણી પુરૂ પાડવામાં આવે છે તેની વિગતો મેળવી હતી. ખામર ખાતે ઉભી કરેલી લેબોરેટરી રૂમ, ઓફિસ, સ્ટોર રૂમ એલમડો ઝિંગ રૂમ અને સમગ્ર પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.

 

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરજણ જળાશય યોજના આધારિત ભમરી પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી રિતેષ વસાવા દ્વારા બુકેથી સ્વાગત કરીને મંત્રીશ્રીને આવકાર્યા હતા અને કરજણ જળાશય યોજના આધારિત મોજે. મોટી ભમરી, તા. નાંદોદથી મોજે. વાડી, ઉમરપાડા, જિ.સુરત તથા મોજે. કપાટ, તા. ઝઘડિયા. જિ. ભરૂચ ઉદ્વહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટ અંગે મંત્રીશ્રીને પોતાના મત વિસ્તારના ગામોને આવરી લેવા અંગે રજૂઆત કરી હતી અને નર્મદાના નીરને કરજણમાં નાખીને પોતાના વિસ્તારના લોકોને પીવાના પાણીનું તેમજ સિંચાઈના પાણી અંગે યોજના બનાવવા અપીલ કરી હતી. સાથે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા પણ પોતાના મત વિસ્તારના ગામોને આવરી લેવા રજૂઆત કરી હતી.

 

ત્યારબાદ સરકિટ હાઉસ ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રગતિ હેઠળના કામો અને જળ સ્ત્રોત, સિંચાઈની સુવિધા, પીવાના પાણીની સમીક્ષા કરી હતી. અને નલ સે જલ યોજના તેમજ સાવલી ઝરવાણી વજેરીયા યોજના આધારિત કેટલા ગામોને આવરી લેવાયા છે તેમજ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. સાથેસાથે દેડિયાપાડા-સાગબારા તાલુકામાં પીવાના પાણી અંગેની વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી. આમ, સમગ્ર નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની અધિકારીઓ પાસેથી માહિતી મેળવી બેઠકમાં સમીક્ષા-રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. નોંધનીય છે કે, બેઠક બાદ મંત્રીશ્રીએ નર્મદાનો સોર્સ સુધારણા (ભાગ-૧) જુથ યોજના “જળ શુધ્ધિકરણ પ્લાન્ટ“ ભુમલિયાની પણ મુલાકાત લીધી હતી.

Back to top button
error: Content is protected !!