INTERNATIONAL

ઈરાને અમેરિકાનું 48 કલાકનું ફાઈનલ અલ્ટિમેટમ ફગાવ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનો સમુદ્રી માર્ગ ખોલવા માટે ઈરાનને 48 કલાકની જે છેલ્લી ચેતવણી આપી હતી, તેને ઈરાને ફગાવી દીધી છે. ઈરાની સેનાએ ટ્રમ્પને માનસિક રીતે અસંતુલિત ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ શરતે શરણાગતિ સ્વીકારશે નહીં. ઈરાને ચેતવણી આપી છે કે જો તેમના તેલ અને ગેસ પ્લાન્ટ અથવા પરમાણુ મથકો પર હુમલો થયો, તો તે અમેરિકા માટે ભારે પડશે. બીજી તરફ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને ડ્રોન સ્ટોકનો નાશ કરી દીધો છે અને તેઓ ઈરાનને ‘પાષણ યુગ’ માં મોકલી દેવાની ક્ષમતા ધરાવે છે.

ઈરાનના ખતમ અલ-અનબિયા કેન્દ્રીય મુખ્યાલયના પ્રતિનિધિ જનરલ અલી અબ્દુલ્લાહી અલીબાદીએ ટ્રમ્પના અલ્ટીમેટમનો જવાબ આપતા અત્યંત આકરા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ અત્યારે અત્યંત ગભરાયેલા અને અસહાય છે, જેના કારણે તેઓ આવા અસંતુલિત નિવેદનો આપી રહ્યા છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પર જે 48 કલાકની સમયમર્યાદા આપી છે, તે ઈરાન માટે કોઈ માયને રાખતી નથી. ઈરાને અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરવાની કે યુદ્ધવિરામની શરતો માનવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી છે, જેનાથી રાજદ્વારી ઉકેલની આશાઓ લગભગ ખતમ થઈ ગઈ છે.

રવિવારે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને યાદ અપાવ્યું હતું કે તેમની પાસે નિર્ણય લેવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે, નહીંતર અમેરિકા કહેર બનીને તૂટી પડશે. અમેરિકાએ ઈરાનના બુનિયાદી માળખા અને આવશ્યક સંસાધનોને ઉડાવી દેવાની ધમકી આપી છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ આ મામલે વિશ્વ સમુદાયનું ધ્યાન દોરતા કહ્યું છે કે પરમાણુ ઠેકાણાઓ પરના હુમલા માત્ર ઈરાન જ નહીં પરંતુ પડોશી દેશો માટે પણ ખતરનાક છે, કારણ કે તેનાથી મોટા પાયે રેડિયેશન ફેલાવવાનું જોખમ રહેલું છે. ઈરાની સેનાએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જો તેમના અર્થતંત્રના મુખ્ય સ્તંભ સમાન તેલ અને ગેસ પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવશે, તો અમેરિકાએ તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

આ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકી જનતાને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે તેમની સેનાએ ઈરાની નૌસેના અને વાયુસેનાનો મોટો ભાગ નષ્ટ કરી દીધો છે. ટ્રમ્પના મતે IRGC ના અનેક ગુપ્ત ઠેકાણાઓ, મિસાઈલ લોન્ચર્સ અને ડ્રોન ફેક્ટરીઓ હવે ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ૨ થી ૩ અઠવાડિયામાં અમેરિકા પોતાના તમામ સૈન્ય લક્ષ્યો પૂરા કરી દેશે અને યુદ્ધનો અંત આવશે. ટ્રમ્પની આ ‘પાષણ યુગ’ (Stone Age) માં પહોંચાડી દેવાની ધમકીએ ઈરાનને વધુ ઉશ્કેર્યું હોય તેમ લાગે છે, જેના કારણે બંને પક્ષો અત્યારે આરપારની લડાઈના મૂડમાં છે.

Back to top button
error: Content is protected !!