INTERNATIONAL

ઈરાનમાં ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળ, ડેમમાં 10%થી પણ ઓછું પાણી બાકી

ઈરાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. છ દાયકામાં પહેલીવાર પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધીમાં વરસાદ નહીં પડે, તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે અને જો હાલત નહીં સુધરે તો તેહરાનને ખાલી કરાવવું પડી શકે છે.

તેહરાનની મુખ્ય જળ પુરવઠા યોજનાઓ, જેમ કે લાતિયન અને કરજ બંધો(ડેમ)માં, 10%થી પણ ઓછું પાણી બાકી છે. ડેમ મેનેજરો અનુસાર, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં લગભગ 92% ઘટાડો નોંધાયો છે અને બાકી રહેલું પાણી મોટાભાગે ‘મૃત જળ’ (ઉપયોગ ન કરી શકાય તેવું) છે. સ્થાનિક નિવાસી અને રેપર વફા અહમદપૂરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ અછતને કારણે ઘણા કલાકો સુધી નળમાં પાણી આવતું નથી.

રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ચેતવણી આપી છે કે જો પૂરતો વરસાદ નહીં થાય, તો તેહરાનનું જળ સપ્લાય મર્યાદિત કરવું પડશે અને રેશનીંગ પૂરતું ન થાય તો શહેર ખાલી કરવા પર વિચારણા થઈ શકે છે. સરકારે પાણીનો વપરાશ નિયંત્રિત કરવા માટે દંડ લગાવવાની અને ઊંચા વપરાશવાળા વિસ્તારોમાં સપ્લાય મર્યાદિત કરવાની યોજના બનાવી છે. ઊર્જા મંત્રી અબ્બાસ અલી અબાડીએ કહ્યું કે, રાત્રે પાણીનો પ્રવાહ શૂન્ય સુધી કરી શકાય છે. ઉપરાંત, તાજેતરના ઈઝરાયલ સંઘર્ષમાં રાજધાનીના જૂના જળ માળખાને અસર થવાથી જળ સંકટ વધુ વકર્યું છે.

આ દરમિયાન, વિશેષજ્ઞ સભાના સભ્ય અને સાંસદ મોહસિન અરાકીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં મહિલાઓને દુષ્કાળ માટે જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે મહિલાઓ હિજાબ નથી પહેરતી, તેથી અલ્લાહે વરસાદ રોકીને દેશને ચેતવણી આપી છે.

હવામાન વિભાગે આગામી 10 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરી નથી. રાજધાની તેહરાનમાં સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે અને નાગરિકોને પાણી એકઠું કરવા માટે વધારાના પ્રયાસો કરવા પડી રહ્યા છે. દુષ્કાળ અને જળ સંકટના વધતા જોખમ વચ્ચે સરકાર અને નાગરિકો બંને પાણીની બચતના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

સરકાર હવે પાનખરના અંતમાં વરસાદની આશા રાખી રહી છે, પરંતુ હવામાનની આગાહી નિરાશાજનક છે. ઈરાનના ઊર્જા મંત્રી અબ્બાસ અલી અબાદીએ ચેતવણી આપી છે કે આ સ્થિતિ ટૂંક સમયમાં સત્તાવાળાઓને પાણી પુરવઠો કાપવા માટે મજબૂર કરી શકે છે. તેમણે કહ્યું, ‘કેટલીક રાત્રે અમે પાણીનો પ્રવાહ શૂન્ય સુધી ઘટાડી શકીએ છીએ.’ અધિકારીઓએ એવા ઘરો અને વ્યવસાયો પર દંડ (પેનલ્ટી) લગાવવાની યોજના પણ જાહેર કરી છે જેઓ વધુ પડતા પાણીનો વપરાશ કરે છે.

ઈરાનના આબોહવા અને દુષ્કાળ સંકટ વ્યવસ્થાપન કેન્દ્રના વડા અહમદ વઝીફે ચેતવણી આપી છે કે, તેહરાન ઉપરાંત, પશ્ચિમ અઝરબૈજાન, પૂર્વ અઝરબૈજાન અને મરકઝી સહિત અન્ય ઘણા પ્રાંતોના ડેમ પણ ચિંતાજનક સ્થિતિમાં છે, જ્યાં પાણીનું સ્તર માત્ર એક જ અંકની ટકાવારીમાં છે.

Back to top button
error: Content is protected !!