
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
વોર્ડ નંબર ૧થી ૬ના નાગરિકોને જરૂરી આધારપુરાવા સાથે સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા ભુજ નગરપાલિકા દ્વારા અનુરોધ.
ભુજ, તા-૧૮ સપ્ટેમ્બર : રાજ્ય સરકારશ્રીની અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ, પ્રવૃતિઓ, તથા વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નનો ન્યાયિક, ચોકક્સ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સુગ્રથિત વહીવટી માળખાકીય વ્યવસ્થા રાજ્ય, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી સ્તરે અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યદક્ષતા,પારદર્શતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણવામાં આવેલી છે. રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીક સ્થળે, એ જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ નગરપાલિકા કક્ષાએ દસમાં તબક્કાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા નક્કી કરવામાં આવ્યું છે.ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૦૧ થી ૦૬ ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ તા.૨૦/૦૯/૨૦૨૪ ના રોજ સેતુ ઓફીસ, સરપટ નાકા બહાર, ચોહાણ ટી હાઉસની બાજુમાં, ભુજ ખાતે સવારના ૯.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. નાગરિકોની અરજીઓ આધાર પુરાવા સાથે બપોરે ૨.૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ મળેલી અરજીઓમાંથી નિકાલ થઇ શકે તેવી અરજીઓનો એ જ દિવસે નિકાલ કરવામાં આવશે.”સેવા સેતુ” કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ ૫૫ જેટલી સેવાઓ જેમ કે, નવું આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર બદલવો, રાશન કાર્ડમાં નામમાં સુધારો, નામ દાખલ કે કમી કરવું, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈ મામેરૂં સહાય, શાળા કોલેજ પ્રવેશ માટે ફ્રી શીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા, ઉંમરનો દાખલો, મેડીકલ ચેકઅપ, નવા વીજ જોડાણ માટે અરજી, નવું જનધન બેન્ક ખાતું, ખાતા સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જોડાણ, જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, વ્યવસાય વેરા અરજી, કેશલેસ લીટરેસી, લર્નિંગ લાયસન્સ, સિનિયર સીટીઝન, દિવ્યાંગ અને સામાન્ય નાગરિક માટે બસ કન્સેશન પાસ, સાતબાર/આઠ અ ના પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, કૌટુંબિક સહાય યોજના, રેવેન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(અરજી સ્વીકારવી) UDID કાર્ડનું રજિસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓ(અરજીઓ), પ્રોપર્ટી ટેક્ષ, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ગુમાસ્તાધારા, એપ્રેન્ટિસ અરજીઓનો સ્વીકાર કરવો વગેરે એક જ જગ્યાએ ભુજ શહેરના નાગરિકોને મળી રહેશે. આ સેવાઓ પૂરી પાડવા ભુજ શહેરી વિસ્તારની ૨૦ જેટલી સરકારી કચેરીના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેશે. ભુજ શહેરના નાગરિકોએ સરકારશ્રીની વિવિધ સેવાઓના લાભ લેવા જરૂરી આધારપુરાવા સાથે કાર્યક્રમ’ સ્થળે ઉપસ્થિત રહેવા ભુજ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.



