અદાણી ગ્રુપ સાથે થયેલા તમામ કરાર કેન્યાએ રદ કર્યા

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ દેશને સંબોધિત કરતા ભારતીય કંપની અદાણી ગ્રુપની સાથે થયેલા તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ વીજ ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તાર જેવી મોટી પરિયોજનાઓ સામેલ હતી. કેન્યા સરકારે અદાણી ગ્રુપની સાથે થયેલા 700 મિલિયન ડોલરના પાવર ટ્રાન્સમિશન ડીલ રદ કરી દીધી છે. આ ડીલ દેશમાં વીજળીના ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાને લઈને હતી. આ સિવાય અદાણી ગ્રુપના 1.8 બિલિયન ડોલર, જે એક ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તાર માટે હતો, તેને પણ રદ કરી દેવાયો છે.
અદાણી ગ્રૂપ પર તાજેતરમાં અમેરિકામાં લાંચ લેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આરોપો બાદ કેન્યા સરકારે આ પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે, ‘તેમની સરકાર પારદર્શિતા અને ઈમાનદારીના સિદ્ધાંતો પર કામ કરે છે અને દેશની છાપ અને હિતોની વિરુદ્ધ હોય તેવા કરારોને મંજૂરી આપશે નહીં.
અમેરિકાએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર આરોપ મૂક્યા છે. તેમના પર ભારતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે લાંચ અને છેતરપિંડીનો આરોપ છે. અમેરિકાનું કહેવું છે કે અદાણીની કંપની અને ભારતની Azure પાવરને આનો ફાયદો થયો. યુએસ સ્ટોક એક્સચેન્જ NYSE એ 2023 ના અંત સુધી Azure પાવરના શેરનું વેચાણ કરતું હતું.
2020માં અમેરિકાએ એક ગુપ્ત રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અદાણી ગ્રીન અને એઝ્યુર પાવરના અધિકારીઓએ કાવતરું ઘડ્યું હતું.
અદાણી અને તેના અધિકારીઓ પર અમેરિકન રોકાણકારો અને ધિરાણકર્તાઓને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ છે. આરોપ છે કે તેઓ કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ખોટું બોલ્યા અને આમ કરીને તેણે રોકાણકારો પાસેથી પૈસા પડાવી લીધા હતા. 2021 અને 2024 ની વચ્ચે, અદાણીએ લોન અને બોન્ડ્સ દ્વારા $3 બિલિયનથી વધુ રકમ એકત્ર કરી હતી. અમેરિકન રોકાણકારોના પણ તેમાં પૈસા હતા.
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ કહ્યું, ‘સપ્ટેમ્બર 2021માં અદાણી ગ્રીનની નોટ ઓફરિંગ દરમિયાન ગૌતમ અને સાગર અદાણી લાંચમાં સામેલ હતા. આ ઓફરે US રોકાણકારો પાસેથી આશરે $175 મિલિયન સહિત $750 મિલિયન એકત્ર કર્યા હતા.
પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે આ વર્ષની શરૂઆતમાં અદાણીએ 2023માં યુએસ તપાસની જાણ હોવા છતાં જનતા, ભારતીય શેરબજાર અને રોકાણકારોને ભ્રામક નિવેદનો આપ્યા હતા.




