INTERNATIONAL

‘રગાસા’ વાવાઝોડું 230 કિમીની ઝડપે આગળ વધ્યું, 5 દેશોમાં ઈમરજન્સી જાહેર

પ્રશાંત મહાસાગરમાં 230 કિમી/કલાકની ઝડપે આવી રહેલું ‘રગાસા’ નામનું સુપર ટાઈફૂન થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ચીન, તાઈવાન અને હોંગકોંગમાં તબાહી મચાવવા તૈયાર છે. 18 સપ્ટેમ્બરે સક્રિય થયેલું આ વાવાઝોડું 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે પાંચેય દેશોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ્સ, શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે અને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.

18 સપ્ટેમ્બરે ફિલિપાઈન્સ પાસે શરૂ થયેલું ઓછું દબાણનું ક્ષેત્ર 21 સપ્ટેમ્બર સુધીમાં ‘રગાસા’ (નાન્ડો) સુપર ટાઈફૂનમાં ફેરવાઈ ગયું. આ વાવાઝોડું 22 સપ્ટેમ્બરે લુઝોન સ્ટ્રેટ પાર કરીને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ચીનના સાગરમાં પ્રવેશ કરશે અને હોંગકોંગ-થાઈલેન્ડ તરફ આગળ વધશે. 24 સપ્ટેમ્બર સુધીમાં તે નબળું પડી જશે.

ફિલિપાઈન્સની હવામાન એજન્સી અને હોંગકોંગની વેધશાળા અનુસાર, કેટેગરી-4ના સુપર ટાઈફૂન રગાસાને કારણે 185 કિલોમીટર પ્રતિ કલાક (115 માઈલ/કલાક)ની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. 230 કિલોમીટર પ્રતિ કલાક (145 માઈલ/કલાક)ની ઝડપવાળા પવનોના ઝાપટાં આવી શકે છે. દરિયાની સપાટીના 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવા અને ઓછા વિન્ડ શિયરને કારણે વાવાઝોડાને વધુ મજબૂતી મળી છે.

વાવાઝોડાને કારણે હોંગકોંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 500થી વધુ ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા છે. મંગળવાર અને બુધવારે શાળાઓ બંધ રહેશે અને હોંગકોંગ એક્સચેન્જ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ, ઉત્તરીય ફિલિપાઈન્સના લુઝોન ટાપુ પર 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મનિલા સહિત અનેક પ્રાંતોમાં સરકારી કામકાજ અને શાળાઓ બંધ છે, અને ભારે વરસાદથી પૂર અને માળખાકીય નુકસાન થવાની ભીતિ છે.

આ વાવાઝોડાની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા છે અને 50,000થી વધુ લોકો બેઘર થયા છે. પાકને નુકસાન થવાથી 500 મિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે.

જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર અનુસાર, ‘રગાસા’ વાવાઝોડું 22 સપ્ટેમ્બર સુધી તાઈવાનને અસર કરશે. તાઈવાનની CWA એજન્સીએ બાશી ચેનલ પાસે વાવાઝોડું વધુ મજબૂત બનવાની ચેતવણી સાથે ફ્લાઈટ્સ રદ કરી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની ચેતવણી આપી છે.

24 સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડું હોંગકોંગ પહોંચશે, જ્યાં 210 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો અને પૂરનો ખતરો છે. 23-24 સપ્ટેમ્બર દરમિયાન તે દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કરીને ગ્વાંગડોંગમાં લેન્ડફોલ કરી શકે છે. વિયેતનામમાં પણ તોફાની પવનો અને ભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાને કારણે વીજળી અને પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે.

જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર (JTWC) અને હોંગકોંગ ઓબ્ઝર્વેટરી (HKO) અનુસાર, ટાઈફૂન રગાસાની અસર પૂર્વ એશિયાના દેશો પર પડશે. ભારતમાં તેના પહોંચવાની કોઈ શક્યતા નથી. ભારતના સમુદ્ર તરફ તેનો માર્ગ ન હોવાને કારણે તેની કોઈ સીધી અસર પણ નહીં થાય. ટાઈફૂન રગાસા પ્રશાંત મહાસાગરના જે ભાગમાં સક્રિય છે, તે ભારતથી 3000-4000 કિલોમીટર દૂર છે, ભારતના પૂર્વ કિનારાના અંદામાન-નિકોબાર કે ઓડિશાથી પણ તે ઘણો દૂર છે.

Back to top button
error: Content is protected !!