1975માં 35 દેશોએ ‘સાઇન’ કરેલા ‘હેલસિન્કી ફાયનલ એક્ટ’નો પશ્ચિમે ભંગ કર્યો છે : રશિયા
નવી દિલ્હી : સૂકી ગરમ પટ્ટી ગાઝામાં ‘વિવાદ’ માંડ શાંત થયો છે ત્યાં વિશ્વમાં સૌથી વધુ નૈસર્ગિક સરોવરો ધરાવતા ધ્રુવ-વૃત્ત પરના ઠંડા દેશ ફિનલેન્ડના વિદેશ મંત્રી એબિના વાલ્તોનેને આક્ષેપ કર્યો છે કે, રશિયાએ તેની સરહદે સેના તૈનાત રાખી છે. આ સામે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવે તે આક્ષેપોને રદિયો આપતા કહ્યું છે કે, ‘એલિના સફેદ જૂઠ બોલી રહી છે.’ બંને મહિલાઓ વચ્ચે જીભાજોડી શરૂ થઈ ગઈ છે.
રશિયન ટેલિવિઝને પશ્ચિમના દેશો ઉપર આક્ષેપ કર્યો છે કે, ‘૧૯૭૫માં ૩૫ દેશોએ સાઇન કરેલા’ ‘હેલસિન્કી ફાયનલ એક્ટ’નો પશ્ચિમના દેશોએ ભંગ કર્યો છે.
તે એક્ટમાં ૧૦ માર્ગદર્શક સિદ્ધાંતો : આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ઘડવામાં આવ્યા હતા જેમાં (૧) દરેક દેશે બીજા દેશના પોતાના સાર્વભૌમત્વને સ્વીકારવું (૨) એક દેશે બીજા દેશમાં દખલ ન કરવી (૩) અન્ય દેશની પ્રાદેશિક એકતા અને અખંડિતતા સ્વીકારવી, (૪) કોઈ પણ વિવાદને શાંતિમય રીતે રાજદ્વારી મંત્રણાથી ઉકેલ લાવવો, (૫) માનવ અધિકારોને માન આપવું.
આ એક્ટ ‘ઓર્ગેનાઈઝેશન ફોર સિક્યુરિટી એન્ડ કો-ઓપરેશન ઇન યુરોપ (ઓ.એસ.સી.ઇ.)’ માટે મૂળભૂત દસ્તાવેજ સમાન છે. આડ વાત લઈએ તો રશિયાએ તેની સલામતી માટે ફિનલેન્ડની સરહદે થોડી સેના તૈયાર રાખી છે તે સત્ય છે પરંતુ તે ફિનલેન્ડ પર હુમલો કરે તે અત્યારે સંભવિત દેખાતું નથી. જો કે, પશ્ચિમના દેશોએ પણ ફિનલેન્ડ રશિયાની સરહદે સેના તૈયાર રાખી હોવાનું કહેવાય છે. આથી ઝાખારોવાએ તા. ૭મી ઓક્ટોબરે પશ્ચિમના દેશો ઉપર ઓ.એસ.સી.ઇ. ભંગ કરવાનો આક્ષેપ મૂક્યો છે.
તેઓએ પશ્ચિમે કરેલા તે એક્ટ ભંગની વિગતો આપતા કહ્યું : ૧૯૭૪માં ગ્રીસે સાઇપ્રસમાં હસ્તક્ષેપ કર્યો હતો. ૧૯૯૯માં નાટોએ યુ.એન.ની ના છતાં યુગોસ્લાવિયા પર બોમ્બિંગ કર્યું હતું. ૨૦૦૮માં કોસોવોને પશ્ચિમે સ્વીકૃતિ આપી હતી. આ અન્ય દેશોની (યુગોસ્લાવિયા)ની આર્વેન્ટી અને પ્રિન્સિપલ ઑફ નોન યુઝ ઓફ ફોર્મ (સાર્વભૌમત્વ અને બળપ્રયોગ નહી કરવાના) સિદ્ધાંતનો સર-એ-આમ ભંગ છે.
રશિયન ટેલિવિઝન વધુમાં જણાવે છે કે, ૧૯૯૧માં જર્મનીએ ઝેકોસ્લોવાકિયામાંથી જુદા પડેલા સ્લોવાનિયાને સ્વીકૃતિ આપી અને ક્રોએશિયાને પણ ૧૯૯૧માં સ્વીકૃતિ આપી આ રીતે યુગોસ્લાવિયાની પ્રાદેશિક અખંડિતતા તોડવાનું કામ કર્યું. ૧૯૯૫માં ક્રોયેશિયાએ હાથ ધરેલું ‘ઓપરેશન સ્ટોર્મ તે કોઈપણ વિવાદના શાંતિમય ઉકેલ’ના સિદ્ધાંતના ભંગ સમાન છે તે ઉપરાંત પશ્ચિમે ૨૦૧૪માં યુક્રેનમાં થયેલા મૈડાન વિપ્લવને પણ પશ્ચિમે જ પુષ્ટિ આપી હતી અને તે દ્વારા ત્યારની સરકાર ઉથલાવી નાખી હતી આ બધા પશ્ચિમે કરેલા સિદ્ધાંત ભંગના પ્રમાણો છે.