ફિલીપીન્સના મિન્ડાનાઓ વિસ્તારમાં 8.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ

ફિલીપીન્સમાં સોમવારની સવારે 8.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું છે. આ ભૂકંપનું કેન્દ્ર ફિલીપીન્સના મિન્ડાનાઓ દ્વીપ વિસ્તારમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. ભૂકંપના જોરદાર આંચકાઓ ઘણા વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપ બાદ ફિલીપીન્સ તેમજ ઇન્ડોનેશિયાના કેટલાક તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અમેરિકાની સુનામી ચેતવણી પ્રણાલીએ જણાવ્યું છે કે ભૂકંપના કારણે સમુદ્રમાં ઊંચી અને જોખમી લહેરો ઊભી થઈ શકે છે, જે તટીય વિસ્તારોને અસર પહોંચાડી શકે છે.
ઇન્ડોનેશિયાની જિયોફિઝિકલ એજન્સીએ પણ દેશના ઉત્તર-પૂર્વીય તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
માહિતી મુજબ એક મીટરથી વધુ ઊંચી સુનામી લહેરો તટ સાથે ટકરાઈ શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ફિલીપીન્સના અનેક પ્રાંતોમાં રહેતા લોકોને તરત જ સુરક્ષિત અને ઊંચા સ્થળોએ ખસેડવાની સલાહ આપવામાં આવી છે. બચાવ અને રાહત ટીમો પણ સજ્જ રાખવામાં આવી છે.
હાલમાં ભૂકંપથી કેટલું નુકસાન થયું છે અથવા કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. જોકે, સંબંધિત એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સમુદ્રના જળસ્તરમાં થતા ફેરફારોનું નિરીક્ષણ કરી રહી છે.
અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.



