ભાજપનું ધરારી સદસ્યતા અભિયાન : કોલેજના વિદ્યાર્થીઓને ફરજીયાત સદસ્ય બનવા કરાયો હુકમ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દેશ અને રાજ્યમાં હાલ સૌથી પ્રબળ શક્તિશાળી તરીકે ભાજપ પક્ષ ઉભરાયો છે, ત્યારે હાલ રાજ્ય ભરમાં ભાજપના નવા સદસ્ય બનાવવા માટે સદસ્યતા અભિષાન શરૂ કર્યું છે, જેમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા દરેક કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતનાને સદસ્યતા ટાર્ગેટ આપ્યો છે.
ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ ફરજીયાત ભાજપની સદસ્યતા લેવા હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આવેલ બોરીચા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ વિદ્યાર્થીઓને હજુ તો ભણવાનો સમય હોય તેવામાં અત્યારથી ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવે છે. કોલેજના વિદ્યાર્થીઓને આ પ્રકારે ભાજપના સદસ્ય બનાવવાનું બીડુ અન્ય કોઈ નહિ પરંતુ કોલેજના સંચાલકો અથવા શિક્ષકો દ્વારા ઝડપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોલેજ દ્વારા વિધાર્થીઓને દરરોજ શિક્ષણ અંગે માહિતી આપવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, તે વોટ્સએપ ગ્રુપમાં એડમીન દ્વારા ભાજપ સદસ્યતા માટેની લીંક નાખવામાં આવી છે, અને એડમીન દ્વારા વોટ્સએપ ગ્રુપમાં બીજો મેસેજ નાખીને દરેકને ફરજીયાત આ લીંકમાં આપેલ માહિતી ભરી વિદ્યાર્થીઓને ધરારી સદસ્ય બનવા હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે દેશની સૌથી મોટી કહેવાતી રાજકીય પાર્ટી ભાજપ દ્વારા વિદ્યાર્થીઓને ધરારી રાજકીય પક્ષના સદસ્ય બનાવવા માટે ફરજિયાત કાર્યકર બનાવવા આ કેટલી હદે વ્યાજબી કહી શકાય છે.



