3 ગામમાં એક અઠવાડિયામાં 50 લોકો ટાલિયા બની ગયાં, હેલ્થ ખાતું હરકતમાં આવ્યું
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોના કેટલાક રહેવાસીઓના અચાનક માથાના વાળ ખરી પડતાં તેઓ ટાલિયા બની જતાં હેલ્થ ખાતું હરકતમાં આવ્યું હતું અને તાબડતોબ હેલ્થ અધિકારીઓ દોડી આવ્યાં હતા અને તપાસ શરુ કરી હતી. આરોગ્ય અધિકારીઓને શંકા છે કે મોટા પ્રમાણમાં વાળ ખરવા પાછળ ખાતરોના કારણે પાણીનું પ્રદૂષણ હતું. અધિકારીઓએ આ વિસ્તારના પાણીના નમૂનાઓ અને ગ્રામજનોના વાળ અને ચામડીના નમૂનાઓ પરીક્ષણ માટે એકત્રિત કર્યા હતા. ત્રણ ગામો – બોરગાંવ, કાલવાડ અને હિંગણા – બુલઢાણા જિલ્લાના શેગાંવ તાલુકામાં છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી પુરુષો અને સ્ત્રીઓના વાળ ખરી રહ્યા છે. એકવાર વાળ ખરવા માંડ્યા પછી વ્યક્તિ એક અઠવાડિયામાં ટાલ પડી જાય છે.
ગામડાઓની મુલાકાત લેનારી આરોગ્ય વિભાગની ટીમના જણાવ્યા અનુસાર, લગભગ 50 લોકો આ સમસ્યાથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે અને ડૉક્ટરોને ડર છે કે આ સંખ્યા વધી શકે છે. ત્વચા અને વાળના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે અને ડોકટરો માને છે કે આ ઝડપથી વાળ ખરવા પ્રદુષિત પાણી તેમજ સ્વાસ્થ્ય સમસ્યાને કારણે થઈ શકે છે. શેગાંવના આરોગ્ય અધિકારી ડૉ. દીપાલી રહેકરે કહ્યું કે પ્રદૂષિત પાણીને કારણે આ ઘટના બની હોઈ શકે છે. આ ઘટના બાદ ડોક્ટરોએ એવું કહ્યું છે કે પ્રદૂષિત પાણી પીવું આરોગ્ય માટે ખતરાથી ખાલી નથી અને તેનાથી વાળ પણ ખરવાં માડે છે માટે લોકોએ શુદ્ધ પાણી પીવું જોઈએ.