અભિનેતા વિજય થલપતિની રેલીમાં નાસભાગ, ૩૯ માં મૃત્યુ
તમિલનાડુના કરુરમાં TVKની રેલીમાં ભારે અફરાતફરીના કારણે નાસભાગ સર્જાઈ હતી. ભારે ધક્કામુક્કીના કારણે રેલી દરમિયાન અનેક લોકો બેભાન થઈ ગયા. જેમને તાત્કાલિક સારવાર માટે ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા હતા. રેલીમાં આવેલા નાના બાળકોની તબિયત પણ લથડી હતી. આ દુર્ઘટનામાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે, મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. હાલમાં હોસ્પિટલમાં 95 લોકોની સારવાર ચાલી રહી છે. ખુદ આ મામલે મુખ્યમંત્રી સ્ટાલિન સક્રિય થયા છે.
કરુરમાં નાસભાગની દુર્ઘટનાનો મૃત્યુઆંક હવે 39 પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રી ડીએમકે સ્ટાલિને નિર્દેશ આપ્યો છે કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે. દરમિયાન, પોલીસે જણાવ્યું હતું કે નાસભાગમાં ઈજાગ્રસ્ત 95 લોકોને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.
વિજયે કરુરમાં નાસભાગની દુ:ખદ ઘટના પર પોતાનું પહેલું નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે મારું દિલ તૂટી ગયું, મને અસહનીય પીડા થઇ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા વિજયે લખ્યું કે, “મારું દિલ તૂટી ગયું છે. હું અસહ્ય, અવર્ણનીય પીડા અને આઘાત અનુભવી રહ્યો છું જે શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. હું કરુરમાં જીવ ગુમાવનારા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું.” હું ઈજાગ્રસ્તો જલદીથી સાજા થાય તેવી કામના કરું છું. ઉલ્લેખનીય છે કે બીજી બાજુ તમિલનાડુ સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને મુખ્યમંત્રી રાહત ફંડથી દરેકને 10-10 લાખ રૂપિયા આપવા ઉપરાંત હોસ્પિટલમાં જેમની સારવાર ચાલી રહી તે દરેકને 1-1 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું હતું.
સભાગ બાદ તમિલનાડુના તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના પ્રમુખ અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેઓ આ નાસભાગમાં ભોગ બનનારા મૃતકોના પરિવારજનોને રૂ. 20 લાખની આર્થિક સહાય આપશે.
(PTI09_27_2025_000363A)