ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આડેધડ આપવામાં આવતા સમન્સ પર નિયંત્રણ મૂકતા સુપ્રીમ કોર્ટે વકીલોને સમન્સ પાઠવવા મુદ્દે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે સુપ્રીમે ઈડીએ બે વકીલોને આપેલા સમન્સ રદ કરી દીધા હતા. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું, ક્લાયન્ટને આપવામાં આવતી સલાહ માટે ઈડી વકીલોને સમન્સ પાઠવી શકે નહીં. વધુમાં એસપીની મંજૂરી વિના પણ તપાસ અધિકારી ક્રિમિનિલ તપાસ માટે વકીલોને સમન્સ પાઠવી શકે નહીં.
ઈડી દ્વારા વકીલોને ક્લાયન્ટને સલાહ આપવા બદલ આપખૂદ રીતે સમન્સ પાઠવવા પર નિયંત્રણ મુકતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે ઈડીને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. ન્યાયાધીશો વિનોદ ચંદ્રન અને એનવી અંજારિયાને સમાવતી બેન્ચે કહ્યું કે, બીએસએની કલમ ૧૩૨ સામાન્ય રીતે વકીલોને પોતાના ક્લાયન્ટ્સ સાથે ગુપ્ત વાતચીતનો ખુલાસો કરતા રોકે છે. જોકે, તે કેટલીક એવી માહિતી આપવાની મંજૂરી આપી શકે છે, જેમ કે કોઈ ગેરકાયદે વસ્તુ અંગે માહિતી અપાઈ હોય અથવા વકીલે કોઈ ગૂના અથવા છેતરપિંડી જોઈ હોય.
ઈડીએ મની લોન્ડરિંગના એક કેસની તપાસના સંદર્ભમાં વરિષ્ઠ વકીલ અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલને સમન્સ પાઠવ્યા હતા. આ બાબત ધ્યાનમાં આવતા સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લઈ આ કેસમાં શુક્રવારે ચૂકાદો સંભળાવ્યો હતો અને તેમના સમન્સ રદ કર્યા હતા. ન્યાયાધીશ વિનોદ ચંદ્રને કહ્યું કે, વકીલોની સુરક્ષા માટે નિયમમાં છૂટછાટને સુસંગત બનાવવાની વિનંતી કરાઈ હતી અને તપાસ એજન્સીઓને યોગ્ય દબાણથી કાયદાકીય વ્યવસાતના રક્ષણ માટે નવા નિર્દેશ જાહેર કરાયા છે. તપાસ એજન્સીઓ કોઈપણ વકીલને ક્લાયન્ટનું વિવરણ માગવા માટે સમન પાઠવી શકશે નહીં, જ્યાં સુધી તે સંબંધિત કાયદાના દાયરામાં ન આવતા હોય.
સુપ્રીમે શુક્રવારે કહ્યું કે, અમે પુરાવાને પ્રક્રિયા નિયમો સાથે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તપાસ અધિકારી આરોપી માટે હાજર થનારા વકીલોને સમન જાહેર કરી શકે નહીં. વકીલોને સમન પાઠવવામાં આવે તો તેમાં એવા અપવાદોનો ઉલ્લેખ હોવો જોઈએ જેમના હેઠળ તે વકીલને સમન્સ અપાયા હોય, જેના પર કલમ ૧૩૨ હેઠળ ખુલાસો નહીં કરવાની ફરજ છે. વકીલોને સમન ત્યારે જ પાઠવી શકાય જ્યારે તેઓ કલમ ૧૩૨ હેઠળ કોઈપણ અપવાદમાં આવતા હોય અને આ અપવાદ સ્પષ્ટરૂપે બતાવાયા હોય.
સુપ્રીમ કોર્ટે એ બાબત પર પણ ભાર મૂક્યો કે વકીલો પાસેથી ડિજિટલ ડિવાઈસ સંબંધિત અધિકાર ક્ષેત્રવાળી કોર્ટ સમક્ષ જ જપ્ત કરી શકાશે અને જપ્ત કરાયેલી ડિવાઈસને જ્યુરિસ્ડિક્શનવાળી ક્રિમિનલ ટ્રાયલ કોર્ટ સામે રજૂ કરવા જોઈએ અને તેને માત્ર વકીલ અને સંબંધિત અન્ય પાર્ટીઓની હાજરીમાં જ ખોલી શકાશે.
બીએનએસએસ કે હેઠળ ડિજિટલ ડિવાઈસ માત્ર જ્યુરિસ્ડિક્શનવાળી કોર્ટ સામે જ હાજર કરાશે. ડિજિટલ ડિવાઈસ માત્ર વકીલ અને પક્ષોની હાજરીમાં જ ખોલાશે. સુપ્રીમે ઈડી દ્વારા બે વકીલોને અપાયેલા સમન્સ પણ રદ કરી દીધા હતા, જેના કારણે જ આ સુઓમોટો કેસ શરૂ થયો હતો. સુપ્રીમે કહ્યું કે, અમે એસએલપીમાં અપાયેલા સમન્સને રદ કરીએ છીએ. આ સમન આરોપીના મૌલિક અધિકારોનો ભંગ કરી શકે છે, જેણે વકીલ પર વિશ્વાસ કર્યો હતો અને તે કાયદાકીય જોગવાઈનો પણ ભંગ કરે છે.




