ભારતમાં વાહનોના પ્રદૂષણને કારણે દર વર્ષે અંદાજે 90 હજાર લોકો સમય પહેલાં જીવ ગુમાવે છે.:ICCT

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન (ICCT)ના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં વાહનોના પ્રદૂષણને કારણે દર વર્ષે અંદાજે 90 હજાર લોકો સમય પહેલાં જીવ ગુમાવે છે. સાથે જ 15,300 બાળકોમાં અસ્થમાના નવા કેસ નોંધાય છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો દેશમાં ઝડપથી ઝીરો-એમિશન વાહનો અપનાવવામાં આવે તો 2050 સુધીમાં 17 લાખ અસામયિક મોત અટકાવી શકાય છે.
ICCTના નવા અભ્યાસ મુજબ વાહનોમાંથી નીકળતા ધુમાડાથી ભારતના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે દર વર્ષે આશરે 90 હજાર લોકોના અસામયિક મૃત્યુ વાહન પ્રદૂષણ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં દર વર્ષે લગભગ 15,300 બાળકોમાં અસ્થમાના નવા કેસ પણ સામે આવે છે.રિપોર્ટ અનુસાર સરેરાશ દર છ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે જ્યારે દર 34 મિનિટે એક બાળક અસ્થમાનો શિકાર બને છે.
‘Health Benefits of Zero-Emission Transport Through 2050’ નામના રિપોર્ટમાં વર્ષ 2045 સુધી વેચાતા તમામ નવા વાહનો ઝીરો-એમિશન હોય તેવી સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.આ અભ્યાસ મુજબ વિશ્વભરમાં વાહન પ્રદૂષણથી થતા અસામયિક મોતમાં ભારતનો હિસ્સો 13 ટકા છે. ઝડપથી વધી રહેલી વસ્તી, શહેરીકરણ અને રસ્તાઓ પર વધતા વાહનોને કારણે ભારતમાં આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
રિપોર્ટમાં દિલ્હી-NCRને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ગણાવવામાં આવ્યો છે. વર્ષ 2024 દરમિયાન અહીં વાહન પ્રદૂષણના કારણે આશરે 8,100 લોકોના અસામયિક મોત નોંધાયા હતા. આ દેશના કુલ મૃત્યુના અંદાજે 9 ટકા જેટલા છે.બાળકો પર પણ તેની ગંભીર અસર જોવા મળી છે. દિલ્હી-NCRમાં 3,500 બાળકોમાં અસ્થમાના નવા કેસ નોંધાયા હતા. આ દેશના કુલ કેસના લગભગ 23 ટકા છે જ્યારે અહીં દેશની માત્ર 5 ટકા જેટલી વસ્તી રહે છે.માત્ર દિલ્હીમાં જ વર્ષ 2024 દરમિયાન વાહન પ્રદૂષણના કારણે અંદાજે 2,800 લોકોના મોત અને 1,500 બાળકોમાં અસ્થમાના નવા કેસ નોંધાયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટ મુજબ વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં બાળકો દરરોજ શાળા જવા અને આવવા દરમિયાન પ્રદૂષણના સંપર્કમાં આવે છે. જેના કારણે તેમના ફેફસાં પર ખરાબ અસર પડે છે.દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાહનોમાંથી નીકળતો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વાર્ષિક ધોરણ કરતાં પણ વધારે નોંધાયો હતો. જ્યારે PM2.5નું સ્તર પણ WHOના સૂચિત ધોરણ કરતાં અઢી ગણાથી વધુ હોવાનું જણાવાયું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારે વાહનો એટલે કે ટ્રક અને બસોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રદૂષણમાં તેમનો ફાળો સૌથી વધુ છે.વર્ષ 2024માં રસ્તા પરિવહન ક્ષેત્રમાંથી થતા નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જનના 79 ટકા અને PM2.5 ઉત્સર્જનના 64 ટકા માટે ભારે વાહનો જવાબદાર હતા. તેથી નિષ્ણાતોનું માનવું છે કે સૌથી પહેલા ટ્રક અને બસોના ઇલેક્ટ્રિફિકેશન પર ધ્યાન આપવું જરૂરી છે.
ICCTના ભારત માટેના મેનેજિંગ ડિરેક્ટર અમિત ભટ્ટના જણાવ્યા મુજબ વાહનોમાંથી થતા ટેલપાઇપ ઉત્સર્જનને સંપૂર્ણ રીતે ઘટાડવાનો સૌથી અસરકારક રસ્તો ઇલેક્ટ્રિક અને ઝીરો-એમિશન વાહનો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત ઝડપથી ઝીરો-એમિશન વાહનો અપનાવે અને વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનોને તબક્કાવાર દૂર કરે તો વર્ષ 2050 સુધીમાં અંદાજે 17 લાખ અસામયિક મોત અટકાવી શકાય છે. સાથે જ લાખો લોકોને પ્રદૂષણથી થતી ગંભીર બીમારીઓથી પણ બચાવી શકાય છે.



