‘આપણે ડૉક્ટરોની સંભાળ નહીં રાખીએ, તો દેશ આપણને માફ નહીં કરે’ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ખાનગી ક્લિનિક્સ, દવાખાનાઓ અને માન્યતા પ્રાપ્ત હૉસ્પિટલોમાં કોરોના વાયરસ સામે લડતી વખતે જીવ ગુમાવનાર ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને વીમા પોલિસીમાં સમાવેશ ન કરવાના કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જોકે આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, અમે આરોગ્ય કર્મચારીઓને વીમા પોલિસી ન આપવાના વિરોધમાં છે.
કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હા અને ન્યાયાધીશ આર. મહાદેવનની બેન્ચે મંગળવારે સ્પષ્ટ ટિપ્પણી કરી છે કે, ‘જો ન્યાયતંત્ર ડૉક્ટરોનું ધ્યાન નહીં રાખે અને તેમના માટે ઊભું નહીં રહે, તો સમાજ તેમને માફ નહીં કરે. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે વીમા કંપનીઓ કાયદેસરના દાવાઓનું નિવારણ લાવે.’
કોર્ટે એમ પણ કહ્યું છે કે, ખાનગી ડૉક્ટરો માત્ર નફો કમાવવા માટે કામ કરી રહ્યા છે તેવી ધારણા કરવી અયોગ્ય છે. જો અરજીકર્તાઓની શરત પૂરી થતી હોય કે તેઓ કોરોનાનો સામનો કરવા માટે કામ કરી રહ્યા હતા અને કોવિડના કારણે તેમનું મૃત્યુ થયું છે, તો સરકારે વીમા કંપનીને ચૂકવણી કરવા માટે બાધ્ય કરવી જોઈએ. તેઓ સરકારી ડ્યૂટી પર ન હતા અને નફો કમાતા હતા, તેવું માનવું ખોટું છે.’
ઉલ્લેખનીય છે કે, મુંબઈ હાઇકોર્ટે આપેલા ચુકાદાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, ખાનગી હૉસ્પિટલના કર્મચારીઓ વીમા યોજના હેઠળ લાભ મેળવવા માટે હકદાર નથી. આ મામલો થાણેમાં ખાનગી ક્લિનિક ચલાવતા અને 2020માં કોરોનાથી મૃત્યુ પામેલા ડૉક્ટરના પત્ની કિરણ ભાસ્કર સુરગડેની અરજીથી શરુ થયો હતો. વીમા કંપનીએ કિરણ ભાસ્કરનો દાવો એ આધારે ફગાવ્યો હતો કે, તેમના પતિના ક્લિનિકને કોવિડ-19 હૉસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને દેશવ્યાપી ચિંતાનો વિષય ગણીને અન્ય અરજદારોને પણ કાર્યવાહીમાં જોડાવાની મંજૂરી આપી હતી.




