
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૮ સપ્ટેમ્બર : નીચાણવાળા વિસ્તારના લોકોના સ્થળાંતર થી લઇને જોખમી રસ્તા-રોડને કરાયા બંધ.
નુકશાનગ્રસ્ત વીજપોલ તથા ફીડરોના કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને ફરી કાર્યરત કરવા પીજીવીસીએલ સક્રીય.
જિલ્લામાં NDRF અને SDRFની ટીમો તૈનાત : નાગરિકોને કલેકટરશ્રીએ નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ના જવા અપીલ કરી.
કચ્છ જિલ્લામાં બે દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા તથા સલામતી માટે સંપૂર્ણ સજ્જતા સાથે સક્રીય કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્રની સજજ્તાના કારણે અત્યારસુધી કોઇ માનવ કે પશુ મૃત્યુ કે અન્ય અનિચ્છનીય બનાવ નોંધાયા નથી. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે નાગરિકોને ડેમ,નદી, નાળા કે જોખમી જળાશયોના પટમાં ન જવા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે તા. ૮ સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવી હતી. રાપર તાલુકાના માનગઢમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી ૨૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું. છે. વરસાદના કારણે કચ્છમાં ૬૯ વીજપોલ તથા ૨૫૭ ફીડરોને નુકશાન થતાં ૩૮ ગામનો વીજપુરવઠાને અસર પહોંચી છે. જોકે, પીજીવીસીએલ દ્વારા યુધ્ધના ધોરણે કરાતી કામગીરીના કારણે અત્યાર સુધી ૯૦ ફીડરો પૂર્વવત થયા છે. જ્યારે સરહદી વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત કરતા ગેટકો દ્વારા ખાવડા-ભેડીયાબેટ લાઇનનું રીસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ ૩ અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ ૪ તથા એક નેશનલ હાઇવે મળીને કુલ ૮ જેટલા જોખમી રસ્તાઓને બંધ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદમાં તમામ વિભાગને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે કચ્છના ડેમ, મોટા જળાશયો વગેરે સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વરસતા વરસાદ વચ્ચે પણ પોલીસ પાણીના સ્ત્રોત આસપાસ કોઇ દુધર્ટના ન ઘટે તે માટે સાવચેતી દાખવી રહી છે. હાલ જિલ્લામાં ૯ ડેમ ભરાયા હોવાથી આ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામના લોકોને સર્તક રહેવા સૂચના જારી કરાઇ છે. જેમાં રાપર તાલુકાના ફતેહગઢ , ભુજ તાલુકાનો કાયલા, મુંદરા તાલુકાના કાલાઘોઘા, અબડાસા તાલુકાનો બેરાચિયા તથા કંકાવટી, નખત્રાણા તાલુકાનો નિરોણા, રાપર તાલુકાનો સુવઇ, માંડવી તાલુકાનો ડોણ, અબડાસા તાલુકાનો મીટ્ટી ડેમનો સમાવેશ થાય છે. જ્યારે ટપ્પર ડેમમાં નવા નીરની આવક થતાં સુરક્ષાના કારણોસર તેના ૧૪માંથી ૭ દરવાજા ખોલવામાં આવતા આવ્યા છે તેમજ મથલ જળાશય ૯૦ ટકા ભરાઇ જતાં તેના નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સર્તક રહેવા જણાવાયું છે. પાણીના ભારે પ્રવાહના કારણે કોઝ-વે તથા પાપડી ધરાવતા રસ્તાઓ જોખમી બનતા જીએસઆરટીસી દ્વારા બસના ૧૦ રૂટ તથા ૧૮ ટ્રીપ રદ કરાઇ હતી. બીજીતરફ રાપર તાલુકામાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓને અસર થઇ છે. જેમાં રાપર-ચિત્રોડ-સામખિયાળી માર્ગ પર ભારે વરસાદના કારણે આવેલા ધુળ-માટીને જેસીબીની મદદથી પોલીસે દુર કરીને વાહન-વ્યવહાર પૂર્વવત કર્યો હતો. તેમજ રાપરમાં રબારી સમાજના હોસ્ટેલના ૨૦ જેટલા વિદ્યાર્થીઓને આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધતા સલામતીના કારણોસર પોલીસ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ભારે વરસાદના પગલે સાંતલપુર-રાધનપુર નજીક NH પર પાણી ફરી વળતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અધિક્ષક સાગર બાગમરે NHAIના અધિકારી સાથે નેશનલ હાઈવેની મુલાકાત કરી સૂચનો આપ્યા હતા તેમજ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરાવી અને વાહન વ્યવહાર પૂર્વવત થાય એ દિશામાં કામગીરી હાથ ધરાઈ હતી. ભારે વરસાદના કારણે નખત્રાણામાં પાણીનું વહેણ આવવાથી સર્જાયેલા ટ્રાફિકને નિયમિત કરવા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેમજ વહેણ વાળી જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઉપરાંત નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટા યક્ષના મેળામાં હાલે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા મેળામાં રહેલ સ્ટોલ ધારકોના ટેન્ટ ધરાશય થઈ જતાં નખત્રાણા પોલીસ સ્ટાફ દ્વારા સલામત જગ્યાએ ખસેડવા અને તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે ધોરડો સફેદ રણમાં પાણીની આવક થતાં સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સહાયતા તેમજ માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ક્ચ્છ કલેક્ટરશ્રીની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી, રોડ રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકાકક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ માહિતી રાજ્યકક્ષાના ગાંધીનગર ખાતે કાર્યરત SEOCને અપડેટ્સ દ્વારા આપવામાં આવી રહી છે. અહીં આવતી નાગરિકોની ફરિયાદોને સંલગ્ન તાલુકાવાઈઝ પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે. નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યો છે.











