NATIONAL

ગાંધીજીની પ્રતિમાને ભાજપની ટોપી પહેરાવી, કમળનો ઝંડો પકડાવ્યો!

બિહારના મુઝફ્ફરપુરમાં એનડીએ કાર્યકર સંમેલન દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમાને ભાજપને ટોપી પહેરાવામાં આવી છે. તેમજ કમળનું નિશાન ધરાવતો પક્ષનો ઝંડો પણ હાથમાં આપવામાં આવ્યો છે. સંમેલનમાં શાહનવાઝ હુસૈન, જેડીયુ કાર્યકર અધ્યક્ષ સંજય જ્હાં સહિત એનડીએના અનેક ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત હતા. ફોટો વાઈરલ થયા બાદ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિપક્ષ કોંગ્રેસ પાર્ટી અને આરજેડીએ ભાજપના આ કૃત્યને ગાંધી બાપુનું અપમાન ગણાવી મોરચો છેડ્યો છે. તેમજ બાપુની પ્રતિમાને ગંગાજળથી સાફ કરી હતી.

જિલ્લાના મીનાપુર હાઈસ્કૂલ મેદાનમાં શનિવારે એનડીએના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુની પ્રતિમા પર ભાજપની ટોપી અને પક્ષનો  ઝંડો લગાવવામાં આવ્યો હતો. તેની વિરૂદ્ધ આરજેડીના ધારાસભ્ય મુન્ના યાદવના નેતૃત્વમાં આરજેડી કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. બાપુની પ્રતિમાની સામે કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ કૃત્ય આચરનારા દોષિતોને આકરી સજા આપવાની માગ કરી રહ્યા હતા. તેમજ ધારાસભ્યે બાપુની પ્રતિમાને ગંગાજળથી સાફ કરવામાં આવી હતી.

આરજેડીના કાર્યકરો અને ધારાસભ્યોએ દેખાવો દરમિયાન કાર્યવાહી  હાથ ન ધરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી. આ મામલે સ્થાનિક પીઆઈ રામએકબાલ પ્રસાદના નિવેદન પર ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ મામલાની જાણ થયા બાદ શનિવારે રાત્રે ટોપી અને ઝંડો જપ્ત કરવામાં આવ્યો હતો, આ કૃત્ય આચનારાઓની શોધખોળ થઈ રહી છે.

મુઝફ્ફરપુર તિલક મેદાન સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં રવિવારે જિલ્લાધ્યક્ષ અરવિંદ કુમાર મુકુલના નેતૃત્વ હેઠળ બેઠક યોજાઈ હતી. જેમાં મીનાપુરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર ભાજપની ટોપી પહેરાવવાના કૃત્યની નિંદા થઈ હતી. મુકુલે જણાવ્યું હતું કે, આ ઘટના રાષ્ટ્રીય ધરોહરનું અપમાન કરનારી છે. કોંગ્રેસની જિલ્લા કમિટી તેની આકરી ટિકા કરે છે. સોમવારે પક્ષનું એક પ્રતિનિધિમંડળ ડીએમને મળી દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માગ કરશે. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તાએ ભાજપના જિલ્લા નેતૃત્વને માફી માગવા અપીલ કરી છે.

ભાજપ નેતા અજયકુમારે આ ઘટનાને આરજેડીનું ષડયંત્ર હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, શનિવારે મીનાપુર હાઈસ્કૂલમાં એનડીએનું કાર્યકર સંમેલ હતું. જેમાં કોઈએ બાપુની પ્રતિમા પર ભાજપની ટોપી અને ઝંડો લગાવી દીધો હતો. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ મામલે આરજેડીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને આંદોલનની ચીમકી આપી હતી. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન બાપુની પ્રતિમા સાથે છેડછાડમાં એનડીએનો કોઈ નેતા જોવા મળ્યો નથી. અજયકુમારે આ મામલે આરજેડી પર એનડીએ વિરૂદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂકયો છે.

Back to top button
error: Content is protected !!