‘ગુપ્તચર એજન્સી (IB) અને પોલીસ દ્વારા તેમની સતત જાસૂસી કરવામાં આવી રહી છે, : ગીતાંજલિ વાંગચૂક

લદાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકની પત્ની ગીતાંજલિ આંગમોએ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે ‘ગુપ્તચર એજન્સી (IB) અને પોલીસ દ્વારા તેમની સતત જાસૂસી કરવામાં આવી રહી છે, જેના કારણે તેમની વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.’
ગીતાંજલિએ પોતાના સોગંદનામામાં દાવો કર્યો છે કે જ્યારે તેઓ જોધપુરની કેન્દ્રીય જેલમાં બંધ તેમના પતિ સોનમ વાંગચૂકને મળવા ગયા હતા, ત્યારે પણ રાજસ્થાન પોલીસ અને IBની ટીમે તેમનો પીછો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સાતમી અને 11મી ઓક્ટોબરે જ્યારે તેઓ જોધપુર એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે તેમને સીધા જ પોલીસના વાહનમાં બેસાડી દેવાયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘જેલની અંદર વાંગચૂક સાથેની મુલાકાત દરમિયાન, ડીસીપી મંગલેશ નામના એક અધિકારી અને એક મહિલા કોન્સ્ટેબલ નજીકમાં જ હાજર રહ્યા હતા. તેમણે અમારી અંગત વાતચીતના નોટ્સ પણ બનાવ્યા હતા. મને જોધપુરમાં બીજે ક્યાંય જવાની કે અન્ય કોઈને મળવાની પણ છૂટ આપવામાં આવી ન હતી.’
ગીતાંજલિ આંગમોએ દાવો કર્યો છે કે તે સપ્ટેમ્બર મહિનાથી દિલ્હીમાં પણ સતત સર્વેલન્સ હેઠળ છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ તેમનો પીછો કરે છે. તેમણે કહ્યું કે, ‘પોલીસની આ જાસૂસી તેમના મૂળભૂત અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ તેમને દેશમાં મુક્તપણે હરવા-ફરવાનો અને ગોપનીયતાનો અધિકાર છે. પતિ-પત્ની વચ્ચેની અંગત વાતચીતને પોલીસ દ્વારા સાંભળવી કે નોટ કરવી એ ગેરકાયદે અને તેમના મૌલિક અધિકારોનું હનન છે. આ સોગંદનામાથી સોનમ વાંગચૂક કેસમાં નવો વળાંક આવ્યો છે.’




