રોમેન્ટિક રિલેશનશીપ લગ્નમાં ન પરિણમે તો કોઈ ગુનો બનતો નથી : હાઈકોર્ટ
નવ વર્ષ સુધી પીએસઆઈ સાથે સંબંધમાં રહ્યાં બાદ તેમની સામે દુષ્કર્મનો કેસ કરનારી એક મહિલાની અરજી ઓડિશા હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ કેસની સુનાવણી કરતાં કોર્ટે એવો ચુકાદો આપ્યો કે રિલેશનશીપ લગ્નમાં ન પરિણમે તો તે અંગત ફરિયાદનું કારણ બની શકે પરંતુ તે કોઈ ગુનો નથી.
બંને જ્યારે સંબલપુર જિલ્લામાં કમ્પ્યુટર કોર્સ કરી રહ્યા હતા ત્યારે બન્ને સંબંધમાં આવ્યાં હતા. મહિલાએ સૌપ્રથમ 2021 માં બોલાંગીર જિલ્લાના સબ ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરીને પોલીસ અધિકારી પર લગ્નના ખોટા વચન પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણીએ એમ પણ કહ્યું હતું કે તેણે ગર્ભાવસ્થા અટકાવવા માટે તેણીને ઇમરજન્સી ગર્ભનિરોધક દવાઓ આપી હતી. 2013માં તેણીએ સંબલપુરની એક ફેમિલી કોર્ટમાં અરજી કરી, જેમાં સબ-ઇન્સ્પેક્ટરની કાયદેસર રીતે પરિણીત પત્ની હોવાની ઘોષણા કરવા અને તેને બીજા કોઈ સાથે લગ્ન કરવાથી રોકવા માટે મનાઈ હુકમ માંગવામાં આવ્યો. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓએ સંબલપુરના સમલેશ્વરી મંદિરમાં તેમના લગ્ન કર્યા હતા અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી માટે અરજી કરી હતી, પરંતુ તે પુરુષ માર્ચ 2021માં કોર્ટમાં હાજર રહ્યો ન હતો.