વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં પણ ભારત ટોપ ઉપર ૨૦ માંથી ૧૩ શહેર ભારતના !!!
વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી આવી ગઈ છે, જેમાં 13 શહેરો તો એકલા ભારતના જ છે. આમાં સૌથી પ્રદૂષિત શહેર મેઘાલયનું બર્નીહાટ છે. IQAir દ્વારા પ્રકાશિત કરાયેલ ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ પ્રમાણે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે. જો આપણે દેશોની વાત કરીએ તો ભારત વિશ્વનું પાંચમું સૌથી પ્રદૂષિત શહેર છે. આ આંકડો વર્ષ 2024ને લઈને જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 2023માં ભારત ત્રીજા સ્થાને હતું. આમ પ્રદૂષણના મામલે ભારતમાં થોડો સુધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં PM 2.5 પાર્ટિકલ્સની ઘનતામાં 7% સુધીનો ઘટાડો થયો છે. જો આપણે ટોપ 10 શહેરોની વાત કરીએ, તો 6 એકલા ભારતમાં જ છે.
ભારતના જે 13 શહેરોને સૌથી વધુ પ્રદૂષિત માનવામાં આવ્યા છે તેમાં પંજાબથી લઈને મેઘાલય સુધીના શહેરો સામેલ છે. આ યાદીમાં બર્નીહાટ પહેલા નંબર પર છે બીજી તરફ દિલ્હી બીજા નંબર પર છે. દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીની શ્રેણીમાં છે. આ ઉપરાંત પંજાબનું મુલ્લાનપુર ત્રીજા સ્થાને છે. ફરીદાબાદ ચોથા નંબર પર છે. ત્યારબાદ ગાઝિયાબાદનું લોની, નવી દિલ્હી, ગુરુગ્રામ, ગંગાનગર, ગ્રેટર નોઈડા, ભીવાડી, મુઝફ્ફરનગર, હનુમાનગઢ અને નોઈડાનો નંબર આવે છે. એકંદરે ભારતના 35% શહેરો એવા છે જ્યાં પીએમ 2.5નું લેવલ WHO દ્વારા તૈયાર કરાયેલી યાદી કરતા 10 ગણું વધારે છે. વિશ્વ આરોગ્ય સંગઠનની મર્યાદા પ્રતિ ક્યૂબિક મીટર 5 માઈક્રોગ્રામ છે.
રિપોર્ટ પ્રમાણે ભારતમાં વાયુ પ્રદૂષણ સતત ચિંતાનો વિષય રહ્યો છે અને તે એક મોટું સ્વાસ્થ્ય જોખમ પણ છે. પ્રદૂષણના કારણે ભારતમાં લોકોના આયુષ્યમાં સરેરાશ 5.2 વર્ષનો ઘટાડો થઈ રહ્યો છે. લેન્સેટ હેલ્થ સ્ટડી પ્રમાણે 2009થી 2019ની વચ્ચે 1.5 મિલિયન મૃત્યુનું કારણ પીએમ 2.5 પ્રદૂષણના વધુ પડતા સંપર્કમાં આવવાનું હતું. પીએમ 2.5નો અર્થ હવામાં ફેલાયેલા એ પ્રદૂષક કણો છે જે ફેફસાંને અસર કરે છે. આનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઘણી વખત હૃદય રોગ અને કેન્સર પણ આના કારણે થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક ઉત્સર્જન અને પાક અને લાકડાને બાળવા એ વાયુ પ્રદૂષણના મુખ્ય પરિબળો છે.