એશિયા કપમાં 41 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 5 વિકેટથી જીત હાંસલ કરી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા એશિયા કપ 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ટીમ ઇન્ડિયાએ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કર્યું છે. નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા એશિયા કપ-2023માં પણ ચેમ્પિયન બની હતી. ટીમ ઈન્ડિયા 9મી વખત એશિયા કપની ચેમ્પિયન બની છે.
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 19.1 ઓવરમાં એટલે કે 5 બોલ બાકી રહેતા 10 વિકેટના નુકસાને 146 રન બનાવ્યા હતા. પાકિસ્તાને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને 150 રન બનાવીને જીત હાંસલ કરી છે. તિલક વર્માએ જીતનો મોટો ફાળો આપ્યો છે.
બેટિંગ કરતી વખતે ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી નહોતી. ઓપનર અભિષેક શર્મા 6 બોલમાં 5 રન, શુભમન ગિલ 10 બોલમાં 12 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 બોલમાં માત્ર 1 રન બનાવીને ઓઉટ થઇ ગયા હતા. જો કે, ત્યારબાદ તિલક વર્મા અને સંજૂ સેમસને ઇનિંગ સંભાળી હતી. તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 33 રન અને સંજુ સેમસને 21 બોલમાં 24 રન બનાવીને તિલકનો સાથ આપ્યો હતો.
પાકિસ્તાનની ટીમ 19.1 ઓવર પર 146 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ. પાકિસ્તાનના ઓપનર બેટર સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાને સારી શરૂઆત કરી હતી. ફરહાને આ મેચમાં 38 બોલ પર 57 રન અને ફખરે 35 બોલમાં 46 રન બનાવ્યા હતા. આમ, આ બે ખેલાડીઓએ મળીને કુલ 103 રન બનાવ્યા હતા. આ બે બેટર સિવાય પાકિસ્તાનના તમામ બેટર ફ્લોપ સાબિત થયા હતા. પાકિસ્તાને 113 રન પર 1 વિકેટ ગુમાવી હતી. જ્યારે ત્યાર બાદ આખી ટીમ 146 રન પર સમેટાઇ ગઇ હતી. એટલે કે, પાકિસ્તાને માત્ર 33 રનમાં 9 વિકેટ ગુમાવી.
આ મેચમાં ભારતીય બોલર્સે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતના બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે આવી ગયા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહે પણ 2-2 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે, ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે.