NATIONAL

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી 25 મિનિટમાં જ 9 આતંકવાદી કેમ્પને નષ્ટ કર્યા

ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણા પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાને ટાર્ગેટ વિશે વિશ્વસનીય માહિતી હતી, જેના આધારે ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માત્ર આતંકવાદી સંગઠનોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રિફિંગ આપ્યું હતું કે, 1.05થી 1.30 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું. 25 મિનિટમાં જ 9 આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. વિશ્વસનીય સૂચનાઓના આધારે આ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે.

કર્નલ સોફિયાએ જણાવ્યું કે, પહલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા ક્રૂર હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેમાં 9 આતંકવાદી ઠેકાણાંને ટાર્ગેટ બનાવાયા હતા. જે સંપૂર્ણપણે નષ્ટ થયા છે. પાકિસ્તાનમાં ત્રણ દાયકાથી આતંકવાદીઓનું માળખું તૈયાર થઈ રહ્યું છે. ઓપરેશનમાં પાકિસ્તાન અને POKમાં સ્થિત આતંકવાદીઓના ભરતી કેન્દ્રો, તાલીમ વિસ્તાર અને લોન્ચ પેડ્સને નષ્ટ કરવામાં આવ્યા છે.

મુઝફ્ફરાબાદના સઈદના બિલાલ કેમ્પને નષ્ટ કરવામાં આવ્યો છે. જે જૈશ-એ-મોહમ્મદનો સ્ટેજિંગ એરિયા હતો. જે હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઇવલ ટ્રેનિંગનું કેન્દ્ર હતું. LOCથી 30 કિમીના અંતરે આવેલ લશ્કર-એ-તૈયબાનો બેઝ કોટલીનું ગુલપુર કેમ્પ પણ નષ્ટ થયો છે. આ કેમ્પ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં એક્ટિવ હતો. આ કેમ્પે આંતકવાદીઓને 20 એપ્રિલ, 2023માં પૂંછ અને 9 એપ્રિલ, 2024ના તીર્થયાત્રીઓના બસ પર હુમલાની ટ્રેનિંગ આપી હતી. એલઓસીથી 9 કિમી દૂર બરનાલા કેમ્પ ભિમબર પણ ઉડાવી દેવામાં આવ્યું છે. બરનાલા કેમ્પ હથિયાર, હેન્ડલિંગ, IED, અને જંગલ સર્વાઈવલનું ટ્રેનિંગ સેન્ટર હતું. કોટલીના અબ્બાસ કેમ્પમાં ફિદાયીન લોકોને આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને ટ્રેનિંગ આપતાં સિયાલકોટના સરજલ આતંકી કેમ્પનો સફાયો થયો છે. જે આંતરરાષ્ટ્રીય સરહદથી 6 કીમીના અંતરે છે. માર્ચ, 2025માં જમ્મુ-કાશ્મીરના ચાર જવાનોની હત્યામાં સામેલ આતંકવાદીઓને અહીં જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મેહમૂના જોયા સિયાલકોટ હિઝબુલ મુઝાહિદ્દીનનો મોટો કેમ્પ પણ નષ્ટ થયો છે. જે જમ્મુના કઠુઆમાં આતંકવાદ ફેલાવવાનું કેન્દ્ર હતો. મુરીદકેના મરકજ તૈયબા આતંકી કેમ્પને પણ ઉડાવી દેવામાં આવ્યો હતો. જ્યાં અઝમલ કસાબ અને ડેવિડ હેડલીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી 18-25 કિમીના અંતરે છે.

કર્નલ સોફિયા કુરેશીએ સ્પષ્ટતા કરી હતી કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના કોઈપણ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી. તેમજ કોઈપણ નાગરિકને નુકસાન પહોંચાડ્યું નથી. જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર મરકજ શુભાનાલ્લાહ કેમ્પને પણ નષ્ટ કર્યો છે. જ્યાં આતંકવાદીઓની ભરતી અને ટ્રેનિંગ થતી હતી.

box …..
એરસ્ટ્રાઈકમાં તબાહ થાય પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાં
1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા દ્વસ્ત કરવામાં આવ્યું છે.
2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.
3. ગુલપુર- આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી 35 કિમી દૂર આવેલું છે.
4. લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.
5. બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.
6. કોટલી – LoC થી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50 થી વધુ આતંકવાદીઓ હતા.
7. બરનાલા કેમ્પ- આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.
8. સરજાલ કેમ્પ- જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.
9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) – તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.

Back to top button
error: Content is protected !!