અંકલેશ્વર GIDCમાં આગ:વીજ કંપનીના ખોદકામમાં ગેસલાઇન ડેમેજ થતાં લાગેલી આગમાં બે વ્યક્તિ દાઝ્યા



સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી.
આ દુર્ઘટનામાં નજીકથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના ચિંતાજનક એટલા માટે છે કે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં નુકસાન થવાના અને આગ લાગવાના બનાવો બનતા રહે છે. આવી ગંભીર દુર્ઘટનાઓને રોકવા માટે ખોદકામ દરમિયાન વિશેષ તકેદારી રાખવી અત્યંત આવશ્યક બની ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.




