ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ અઠવાડિયામાં રૂ. 20 લાખ કરોડ ગુમાવ્યા
રોકાણકારો માટે શેરબજારમાં આજે બ્લેક ફ્રાઈડેનો માહોલ રહ્યો હતો. યર એન્ડિંગ વેકેશનનો માહોલ શરૂ થવાની સાથે એફઆઈઆઈની ગેરહાજરીના પગલે ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ. 20 લાખ કરોડ ગુમાવ્યા છે. સાપ્તાહિક ધોરણે સળંગ ચાર દિવસ સુધી શેરબજારમાં ભારે ઉથલ-પાથલની સાથે સેન્સેક્સ 4091.53 પોઈન્ટ અને તેની ઓલટાઈમ હાઈ સપાટી સામે 10 ટકાથી વધુ તૂટ્યો છે. આજે સેન્સેક્સ વધુ 1176.46 પોઈન્ટ તૂટી 78041 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 364.20 પોઈન્ટ ગગડી 23587.50 પર બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ 4085 શેર્સ પૈકી 1058 શેર્સમાં સુધારો અને 2935 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. 286 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 274 શેર્સમાં અપર સર્કિટ અને 229 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા.
પીએસયુ શેર્સમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કેટલીક સરકારી કંપનીઓના શેર્સ આ સપ્તાહમાં 12 ટકાથી વધુ તૂટ્યા છે. આજે બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ખાતે ટ્રેડેડ 59 શેર્સ પૈકી 53માં ઘટાડો નોંધાયો હતો. મઝાગોન ડોક 6.22 ટકા, આરસીએફ 5.80 ટકા, પીએફસી 5.54 ટકા સુધી તૂટ્યો હતો.
વિદેશી રોકાણકારો દ્વારા 12000 કરોડનું વેચાણ
અમેરિકી ડોલરમાં આકર્ષક તેજી તેમજ ફેડના હોકિશ વલણને ધ્યાનમાં લેતાં વિદેશી રોકાણકારો મોટાપાયે વેચવાલી નોંધાવી રહ્યા છે. આ સપ્તાહમાં વિદેશી રોકાણકારો (FII)એ કુલ રૂ. 12230.29 કરોડની વેચવાલી નોંધાવી છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ અને એફઆઈઆઈની વેચવાલીના પગલે શેરબજાર કડડભૂસ થયા છે.
સ્ટોક માર્કેટમાં કડાકાના કારણો
– ફેડ રિઝર્વ દ્વારા આ સપ્તાહે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત ઉપરાંત આગામી વર્ષે માત્ર બે વખત વ્યાજના દર ઘટાડવાનું હોકિશ વલણ જાહેર કરતાં માર્કેટમાં નિરૂત્સાહ.
– ડોલરની મજબૂતાઈ, રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રોકાણકારોમાં ભીતિનો માહોલ
– વિદેશી રોકાણકારોની રૂ. 12 હજાર કરોડની વેચવાલી
– નિફ્ટી એક વર્ષના ફોરવર્ડ પીઈ 20X નજીક ઊંચા વેલ્યૂએશન સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની દસ વર્ષની ઐતિહાસિક એવરેજ 18.97X કરતાં વધુ છે. જેથી કરેક્શન અનિવાર્ય છે
– ક્રિસમસ અને ન્યૂ યર વેકેશનનો માહોલ
એનએસઈ પર શેર્સની સ્થિતિ
| શેર | બંધ ભાવ | સુધારો |
| DRREDDY | 1345.3 | 1.49 |
| JSWSTEEL | 931.45 | 0.59 |
| ICICIBANK | 1292 | 0.4 |
| NESTLEIND | 2165 | 0.21 |
| HDFCLIFE | 623.75 | 0.03 |
| શેર | બંધ ભાવ | કડાકો |
| TECHM | 1685.85 | -3.9 |
| AXISBANK | 1070 | -3.51 |
|
INDUSINDBK
|
930.9 | -3.47 |
| M&M | 2916.95 | -3.24 |
| TRENT | 6880 | -2.99 |



