ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું હતું કે, કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ ગુના હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડ માટેનું કારણ તેને સમજાય તેવી ભાષામાં લેખિતમાં આપવું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો વ્યક્તિગત સ્વતંત્રતા માટેના બંધારણીય રક્ષણને મજબૂત બનાવશે. સુપ્રીમે કહ્યું કે, માત્ર પીએમએલએ અથવા યુએપીએ જેવા વિશેષ કાયદા હેઠળ જ નહીં, પરંતુ આઈપીસી-બીએનએસ હેઠળ દરેક ગુનામાં ધરપકડ સમયે આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવું ફરજિયાત છે. સુપ્રીમે કહ્યું કે, હવે પછીની દરેક ધરપકડો સમયે આ પ્રક્રિયા લાગુ કરવાની રહેશે.
મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહને સમાવતી બેન્ચે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને તેની સમજમાં આવતી ભાષામાં ધરપકડનું કારણ લેખિતમાં નહીં જણાવવામાં આવતા ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે ગણાશે. બેન્ચે જુલાઈ ૨૦૨૪ના હાઈ-પ્રોફાઈલ મુંબઈ બીએમડબલ્યુ હીટ-એન્ડ રન ઘટનામાં મિહિર રાજેશ શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારના કેસમાં આ ચૂકાદો આપ્યો હતો. આ કેસને મુખ્ય મામલો માનતા બેન્ચે અનેક અપીલો પર એક સાથે સુનાવણી કરી હતી.
મુંબઈના હાઈપ્રોફાઈલ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં મુખ્ય કાયદાકીય મુદ્દો બંધારણની કલમ 22(1) અને સીઆરપીસી, 1973ની કલમ 50, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસ)ની કલમ ૪૭નો ભંગ હતો. કારણ કે અધિકારીઓએ ધરપકડ સમયે આરોપીને તેનું કારણ લેખિતમાં જણાવ્યું નહોતું.
જોકે, સુપ્રીમે સ્પષ્ટરૂપે જણાવ્યું કે, ઈમર્જન્સી પરિસ્થિતિમાં ધરપકડ સમયે અથવા તુરંત બાદ આરોપીને કારણ જણાવવું શક્ય ના હોય તો તેવા સંજોગોમાં રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં આરોપીને લેખિતમાં કારણ જણાવવું પડશે. આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં નહીં જણાવવામાં આવે તો તેવી સ્થિતિમાં ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે મનાશે અને વ્યક્તિને છોડી શકાશે.
સુપ્રીમે કહ્યું કે, ભારતના બંધારણની કલમ ૨૨(૧) હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડનું કારણ જણાવવું એક માત્ર ઔપચારિક્તા જ નથી પરંતુ અનિવાર્ય બંધનકારક બંધારણીય સુરક્ષા છે, જેને બંધારણના ભાગ-૩માં મૌલિક અધિકારો હેઠળ સામેલ કરાયું છે. આ રીતે કોઈ વ્યક્તિને તેની ધરપકડનું કારણ તાત્કાલિક ના જણાવાય તો તે તેના મૌલિક અધિકારોનો ભંગ હશે, જે ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ હશે.
સુપ્રીમે ઉમેર્યું હતું કે, ધરપકડ કરનારા અધિકારી ધરપકડ પહેલાં અથવા તુરંત બાદ ધરપકડનું કારણ લેખિતમાં જણાવવા અસમર્થ હોય તો તેણે મૌખિકરૂપે તેની જાણ કરવી પડશે અને સાથે જ યોગ્ય સમયની અંદર અને કોઈપણ સંજોગોમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ કાર્યવાહી માટે આરોપીને હાજર કરવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં તેને કારણ જણાવવામાં આવે તો ધરપકડને ગેરકાયદે નહીં ગણાય.
મુંબઈના હાઈપ્રોફાઈલ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બંધારણીય સુરક્ષા ઉપાયોનું વિસ્તૃત વિશ્લેષણ કરતા કહ્યું કે, બંધારણની કલમ ૨૨(૧)નો આશય વ્યક્તિને તેની ધરપકડનું કારણ સમજવા અને તેની ધરપકડ, રિમાન્ડને પડકારવા અથવા જમાનત માગવા માટે કાયદાકીય સલાહ લેવામાં સક્ષમ બનાવવાનો છે. તેથી માત્ર મૌખિક સૂચના પર્યાપ્ત નથી. બંધારણીય જનાદેશનો ઉદ્દેશ્ય ધરપકડ કરાયેલી વ્યક્તિને માત્ર કારણો વાંચીને સંભળાવવાથી પૂરો થતો નથી.




