હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મચી નાસભાગ, 7ના મોત

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આજે (27 જુલાઈ) રવિવાર હોવાથી દેશના પ્રખ્યાત મંદિરમાં ભીડ વધી ગઈ હતી. જેના કારણે નાસભાગની ગોઝારી ઘટના બની હતી. આ ઘટનામાં 7ના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
આ ઘટના ઉત્તરાખંડના હરિદ્વારમાં પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં બની છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હજુ સુધી કુલ મૃતકોની ચોક્કસ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ભેગા થયા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. ભારે ભીડને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો અને પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. નાસભાગની ઘટના બાદ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો.
આ દુર્ઘટના અંગે ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, ‘હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મોટી ભીડ એકઠી થયા પછી નાસભાગ મચી ગઈ હતી. જેમાં 6 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ગંભીર દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. UKSDRF, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું. હું તમામ ભક્તોની સલામતી માટે માતા રાણીને પ્રાર્થના કરું છું.’




