ભાજપના કોફિન પર છેલ્લી ખીલી હશે મહારાષ્ટ્રની ચૂંટણી…: રાજ્યપાલ સત્યપાલ મલિક
ભાજપ પૂર્વ નેતા અને ઘણા રાજ્યોના રાજ્યપાલ તરીકે સેવા આપી ચુકેલા સત્યપાલ મલિકનો ભાજપ વિરુદ્ધ સતત પ્રહાર ચાલુ છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં સત્યપાલ મલિકે કહ્યું કે, ‘મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો ભાજપના કોફિન (શબપેટી) પર છેલ્લા ખીલા તરીકે કામ કરશે.’ દિગ્ગજ નેતાના આ નિવેદન બાદ રાજકીય ખળભળાટ મચી ગયો હતો. આ કાર્યક્રમમાં સત્યપાલ મલિકની સાથે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત અને સમાજવાદી પાર્ટીના અબુ આઝમી સહિત અનેક મોટા રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીમાં થઈ રહેલા વિલંબ માટે કેન્દ્ર સરકારની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, વિરોધ પક્ષો હારવાના ડરથી આવું કરી રહ્યા છે.
આ અંગે સત્યપાલ મલિકે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 60 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને માત્ર 20 બેઠકો મળી શકે છે.
આ સાથે સત્યપાલ મલિકે 2019ના પુલવામા આતંકવાદી હુમલાની વ્યાપક તપાસ કરવા અંગે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, “હું પુલવામા હુમલાની તપાસની માંગ કરું છું, જેથી કરીને એ જાણવા મળે કે, આપણા સૈનિકો કેવી રીતે માર્યા ગયા અને તેની પાછળકોણ જવાબદાર છે. એક પણ વ્યક્તિએ આ દુર્ઘટનાનું પરિણામ ભોગવ્યું નથી.”
તેમણે કહ્યું કે, “ભાજપે હુમલાના ત્રીજા દિવસથી પુલવામાની ઘટનાનું રાજનીતિકરણ કર્યું છે અને મતદારોને મતદાન કરતી વખતે શહીદોને યાદ રાખવા વિનંતી કરવામાં આવી હતી. ભાજપે તેમના દાવાઓનો વિરોધ કર્યો હતો, એવી દલીલ કરી હતી કે તમે તે સમયે રાજ્યપાલ હતા તો તમારી પાસે પગલાં લેવાની સત્તા હતી, જે તે વર્ષે ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી ચાલી હતી.”
સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, “કેન્દ્ર સરકાર તરફથી મારે ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો અને મારા કાર્યકાળ દરમિયાન મારી પાંચ વખત બદલી કરવામાં આવી હતી.” તેમણે આરોપ લગાવ્યો કે ધમકીઓ છતાં તેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી અને આવાસમાં રહેવાની ના પાડી દેવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા તેમની વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.