NATIONAL

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતમાં મહિલાઓ વિરુદ્ધ પિતૃસત્તાક નિયંત્રણ હજુ પણ ઊંડા મૂળ ધરાવે છે. બંધારણીય ગેરંટી અને અનેક પ્રગતિશીલ કાયદાઓ હોવા છતાં, મહિલાઓના શરીર, તેમની પસંદગી અને જીવન પર નિયંત્રણ રાખવાની માનસિકતા સમાજમાં ઊંડે સુધી જડાયેલી છે. સુપ્રીમ કોર્ટે તેને ‘સમાજની બીમારી’ ગણાવી છે.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે રાજસ્થાનના એક કેસમાં પતિની આજીવન કેદની સજા યથાવત રાખતા આ સખત ટિપ્પણી કરી છે. વર્ષ 2011માં પોતાની પત્નીને દહેજ માટે જીવતી સળગાવી દેનાર આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. બેન્ચે કહ્યું કે, આ ઘટના ઘરેલું હિંસા અને દહેજ પ્રથાના મૂળિયાં કેટલા ઊંડા છે તે ઉજાગર કરે છે.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘બંધારણ સમાનતા, લિંગના આધારે ભેદભાવ ન રાખવા અને જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ આવા કિસ્સાઓ દર્શાવે છે કે આટલા વર્ષો પછી પણ ઘણી મહિલાઓ માટે આ અધિકારો હજુ પણ દૂરની કોડી સમાન છે.’

બેન્ચે કાયદાકીય અને ન્યાયિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દહેજ નિષેધ અધિનિયમ 1961થી લઈને ઘરેલું હિંસા સંરક્ષણ અધિનિયમ અને કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા સુધીના અનેક કાયદાઓ બન્યા છે.  ત્રણ તલાક, વ્યભિચારના કાયદાને રદ કરવા, સશસ્ત્ર દળોમાં મહિલાઓની સમાનતા અને મિલકતમાં પુત્રીઓના સમાન હક જેવા અનેક ઐતિહાસિક નિર્ણયો આવ્યા છે. તેમ છતાં, જમીની હકીકત બદલવામાં આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.

કોર્ટે આંકડા ટાંકીને જણાવ્યું હતું કે, 2023માં મહિલાઓ વિરુદ્ધ 4.48 લાખથી વધુ ગુનાઓ નોંધાયા હતા, જ્યારે દહેજ સંબંધિત હિંસા દર વર્ષે 6,000થી વધુ મહિલાઓનો ભોગ લઈ રહી છે. ઘરેલું હિંસાની ફરિયાદો હજુ પણ સૌથી વધુ છે. કોર્ટે તેને ‘Sobering Picture’ (વિચારવા મજબૂર કરી દે તેવું ચિત્ર) ગણાવ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું કે સાક્ષરતા વધવા, આર્થિક વિકાસ અને શિક્ષણ-રોજગારમાં મહિલાઓની ભાગીદારી વધવા છતાં, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પિતૃસત્તાક વ્યવસ્થા રોજિંદા જીવનમાં યથાવત છે. ઘરની અંદરના અધિકારો હજુ પણ મોટે ભાગે પુરુષો પાસે છે અને મહિલાઓની સ્વાયત્તતા શરતી અને મર્યાદિત છે. કામકાજી મહિલાઓ પણ ઘરની જવાબદારીઓનો મોટો બોજ ઉઠાવે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓને છૂટીછવાઈ કે અસામાન્ય ઘટના ન ગણવી જોઈએ. આ ઘટનાઓ સમાજમાં ફેલાયેલી ‘બીમારી’નો જ એક ભાગ છે.’ ચુકાદાના સૌથી પ્રભાવશાળી ભાગમાં કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘દાયકાઓ સુધીના કાયદા, યોજનાઓ અને સુધારાઓ પછી પણ મહિલાઓના શરીર, પસંદગી અને જીવન પર નિયંત્રણ આટલું ઊંડું કેમ છે?’

કોર્ટે પોતે જ જવાબ આપતા કહ્યું કે, આનો ઉકેલ માત્ર કાયદા કે કોર્ટમાં નથી, પરંતુ ‘અમે, ભારતના લોકો’ માં છે. સમાજે પોતાની વિચારધારા અને વર્તનમાં ફેરફાર કરવો પડશે. આ ચુકાદો યાદ અપાવે છે કે મહિલાઓની વાસ્તવિક સમાનતા હજુ પણ એક મોટો પડકાર છે.

Back to top button
error: Content is protected !!